નવો બસ સ્ટેન્ડથી સરદાર બાગ ચોકી સુધીનો રોડ બે મહિનાથી અધૂરો
આણંદ મનપા બન્યા બાદ દબાણો હટાવીને માર્ગો પહોળા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધીના દબાણો હટાવ્યા બાદ બે માસ અગાઉ મેટલ પાથરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આગળની કામગીરી જ હાથ ધરવામાં ન આવતા પાથરેલા મેટલ રાહદારીઓ, નાના-મોટા વાહનચાલકો માટે પરેશાનીરૂપ બન્યા છે.
આવી જ સ્થિતિ કડિયા નાકાથી બીઓબી બેન્ક સુધીના માર્ગની જોવા મળે છે. અહીંના દબાણો હટાવીને મેટલ પાથર્યા બાદ કામગીરી આગળ ધપાવવામાં આવી નથી. જેના કારણે આ રોડ પરની દુકાનોમાં કામસર આવતા ગ્રાહકોને મેટલના કારણે પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉદ્દભવે છે. વધુમાં મેટલ પરથી ફુલસ્પીડમાં પસાર થતા ફોર વ્હીલરના કારણે ઉડતા ધારદાર મેટલ રાહદારી કે અન્ય વાહનચાલકને વાગવાથી ઇજા થવાની ભીતિ પણ રહે છે.
આ રોડના સાઇડની અધૂરી કામગીરીના કારણે નવા બસ સ્ટેશનની અંદર જતી બસોના ચાલકોને પણ બસ વાળવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત બસોને અંદર લઇ જવાના માર્ગ પર પણ છેલ્લા ઘણા સમયથી કરાયેલ ખોદકામનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. જેના કારણે મુસાફરો પણ અગવડતા અનુભવી રહ્યા છે. જેથી મેટલ પાથર્યા બાદની અધૂરી કામગીરી સત્વરે પૂરી કરવામાં આવે તવી માંગ થવા પામી છે.
એજન્સીને તાકિદ કરી છે, પેવરનું કામ ચાલુ થઇ જશે : મનપા
આણંદ મનપાના રોડ વિભાગના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, હોળી પર્વ મજૂરો વતનમાં ગયા હોવાથી કામગીરીમાં વિલંબ થયો છે. પરંતુ હવે દોઢ માસ જેટલો સમય થવા આવ્યો છે. જેથી આ બંને રોડની કામગીરીની એજન્સીને રુબરુ બોલાવીને તાકિદ કરવામાં આવી છે. જેમાં આગામી ચારથી પાંચ દિવસમાં મેટલ લેવલીંગ કરવા સહિત પેવરની કામગીરી ચાલુ થઇ જશે.