વિષ્ણુપુરામાં આર.સી.સી. રોડ સામે સ્થાનિકોનો વિરોધ: દબાણને લઇ માંગ ઉઠી
પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ વિષ્ણુપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા આર.સી.સી. રસ્તાનો આજે સ્થાનિક રહીશોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો અને પ્રથમ દબાણ દૂર કરો પછી આર.સી.સી. રસ્તો બનાવોની સ્થાનિકોએ માંગ કરી હતી
જેને લઈને કોન્ટ્રાકટરોને આર.સી.સી. રસ્તાનું કામ બંધ રાખવાની ફરજ પડી હતી. પેટલાદ શહેરના ખોડિયાર ભાગોળ વિસ્તારના વિષ્ણુપુરામાં આજે આર.સી.સી. રસ્તાનું કામ કરવા ગયેલ કોન્ટ્રાકટર સાથે સ્થાનિકોએ રકઝક કરી પ્રથમ આ વિસ્તારમાં દબાણો દૂર કરો પછી જ આર.સી.સી. રસ્તો બનાવોની માંગણી સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો જેના કારણે કોન્ટ્રાકટરને રસ્તાનું કામ બંધ રાખવાની ફરજ પડી હતી. આ અંગે મળતી વિગતો મુજબ વિષ્ણુપુરા વિસ્તારમાં ૧૦૦ મીટરનો આર.સી.સી. રસ્તો નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
આ આર.સી.સી. રસ્તાના કામનો કોન્ટ્રાકટર નગરપાલિકાએ સ્થાનિક કોન્ટ્રાકટરને આપ્યો છે આજે કોન્ટ્રાકટર વિષ્ણુપુરા વિસ્તારમાં આર.સી.સી. રસ્તાનું કામ કરવા ગયા ત્યારે સ્થાનિક રહીશોએ કામનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ આડેધડ કરવામાં આવે છે રસ્તા ઉપર થયેલ દબાણો દૂર કર્યા વગર જ આર.સી.સી. રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં રસ્તા ઉપરથી મોટા વાહનો પસાર થઈ શકતા નથીનો આક્ષેપ કરી રસ્તાના માપ પ્રમાણે આર.સી.સી. રસ્તો બનાવવાની માંગણી કરી હતી.