ભાદરણ ચોકડી પર સાઈડ વિવાદે લીધું હિંસક રૂપ: વાહનચાલકો વચ્ચે મારામારી
ભાદરણ ચોકડીએ ગઈકાલે બપોરના સુમારે સાઈડ આપવાની બાબતે ટ્રકના ચાલક અને તેના ક્લીનરે ટ્રક ટ્રેલરને આંતરીને તેના ડ્રાયવર અને ક્લીનરને લોખંડની પાઈપથી માર મારીને લોહીલુહાણ કરી દેતાં આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત ખાતે રહેતા ફરિયાદી બાબુભાઈ નાથુભાઈ મકવાણા ટ્રક ટ્રેલર નંબર જીજે-૦૨, ઝેડઝેડ-૫૧૫૨ ઉપર ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેમની ટ્રક ટ્રેલર હાલમાં ખંભાત ઓએનજીસીમાં મુકી છે. ગઈકાલે તેઓ ટ્રક ટ્રેલરમાં ઓએનસીજીસીથી કેસીંગ પાઈપો ભરીને ક્લીનર ઈકબાલ મકવાણા સાથે પાદરા તાલુકાના રણુ ગામે ગયા હતા. જ્યાં પાઈપો ઉતારીને પરત ખંભાત આવવા નીકળ્યા હતા. દરમ્યાન બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ભાદરણ ચોકડીએથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે હોર્ન મારતી એક ટ્રક આવી પહોચી હતી અને તેમના ટ્રેલરને ઓવરટેક કરીને આંતરીને ઉભી રાખી હતી અને તેમાંથી ડ્રાયવર ધીરૂભાઈ અને ક્લીનર જેસીંગભાઈ લોખંડની પાઈપો લઈને નીચે ઉતર્યા હતા અને ડ્રાયવર બાબુભાઈને સાઈડ કેમ આપતો નથી તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરતા જ બાબુભાઈએ ગાળો નહીં બોલવાનું કહેતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને પાઈપોથી હુમલો કરી દીધો હતો.
જેમાં બાબુભાઈને માથામાં, ડાબા હાથની કોણી ઉપર તેમજ કાંડાના ભાગે પાઈપ વાગતા ઈજાઓ થવા પામી હતી. જ્યારે ઈકબાલભાઈને પણ માથામાં પાઈપ વાગતા તે પણ લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ બન્નેને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતુ. દરમ્યાન અન્ય વાહનચાલકો આવી ગયા હતા અને વધુ મારમાથી છોડાવ્યા હતા. જતા જતા બન્ને શખ્સોએ આજે તો બચી ગયા છો, ફરીથી મળશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ઘવાયેલા બન્નેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.સારવાર કરાવ્યા બાદ ભાદરણ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.