આણંદ સર્કિટ હાઉસમાં ‘કનેક્ટ ગુજરાત’ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
આણંદના સર્કિટ હાઉસ ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને કનેક્ટ ગુજરાત અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી નિયામક બચાણીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા આજે પ્રચાર-પ્રસારનું અગત્યનું માધ્યમ બન્યું છે. તેના દ્વારા રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. તેમણે જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા મિકેનિઝમ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો.
વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશન દ્વારા સોશિયલ મીડિયાની અસરકારકતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આ માધ્યમ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યું છે. આપત્તિ વ્યવસ્થાપનમાં પણ તેની મહત્વની ભૂમિકા રહી છે. આણંદ જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા 1400થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ કામગીરીને માહિતી નિયામક અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીએ બિરદાવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ, DRDA નિયામક જે.વી. દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સોશિયલ મીડિયાના નોડલ રુબી સિંહે બેઠકની રૂપરેખા રજૂ કરી હતી.