આણંદમાં નવી વિકાસ યાત્રા: અમીન ઓટો ફાટકે 29.75 કરોડના ખર્ચે ઓવરબ્રીજનું નિર્માણ શરૂ
આણંદમાં વધતા જતા ટ્રાફિક અને ખાસ કરીને રેલ ફાટક બંધ હોવાથી સર્જાતી વાહનો ચકકાજામની સ્થિતિ નિવારવા તબકકાવાર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બોરસદ ચોકડી બાદ હાલમાં ગણેશ ફાટકે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જયારે પોલસન ડેરી રોડ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ગરનાળુ બની રહ્યું છે. એપીસી સર્કલ, ૮૦ ફુટથી ૧૦૦ ફુટ અને એલિકોન ફાટકે પણ ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં બ્રિજની હારમાળામાં સોજીત્રા-આણંદ રોડ પરથી આણંદમાં પ્રવેશવાના અમીન ઓટો રેલવે ફાટકે પણ ઓવરબ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ફાટકની બાજુમાં બ્રિજની કોલમ માટે જમીનની મજબૂતાઇ ચકાસવા માટે પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આણંદમાં અમીન ઓટો રેલ ફાટકે ર૯.૭પ કરોડના ખર્ચ ઓવરબ્રિજની કામગીરી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ., ગાંધીનગર(જીયુડીસી) દ્વારા એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર ઓવરબ્રિજની કામગીરી બે વર્ષમાં એટલે કે અંદાજે ડિસે.ર૦ર૬ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નકકી કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ અમીન ઓટો ફાટકેથી શરુ થઇને રાજ શિવાલય નજીક પૂરો થશે. જેથી બંને તરફેથી વાહનો અવરજવર કરી શકશે. બ્રિજની પહોળાઇ ૮.પ મીટર અને કુલ લંબાઇ ૭ર૬ મીટર રહેશે. જયારે બંને તરફે ૩.૭પ મીટરના સર્વિસ રોડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જયારે ફાટકેથી અમીન ઓટો તરફે ૭૬ મીટર અને રાજશિવાલય તરફે ૧૦૬ મીટર લંબાઇની બ્રિજની દિવાલ બનશે.હાલમાં રેલવે ફાટકથી અમીન ઓટો તરફેની બંને બાજુના માર્ગની નકશા મુજબ માપણી સહિતની કામગીરી કરવામાં આવી હતી. રાજ શિવાલયથી રેલવે ફાટક અને ત્યાંથી અમીન ઓટો ચોકડી સુધીના માર્ગમાં બંને તરફે બ્રિજ બનાવવાની કામગીરી દરમ્યાન પૂરતી જગ્યા હોવા અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સિંચાઇ વિભાગ દ્વારા અહીં નજીકથી પસાર થતા કાંસ પર થયેલા ગેરકાયદે ૧૬થી વધુ બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી. આગામી સમયમાં રાજશિવાલયથી અમીન ઓટો સુધીના માર્ગની બંને તરફેના ગેરકાયદે દબાણો હટાવવામાં આવશે.
ટીપી ૧૦માં દબાણો હટાવીને તૈયાર કરાયેલ માર્ગ ડાયવર્ઝન અપાશે
આણંદમાં અવરજવરના મુખ્ય માર્ગ સમાન અમીન રેલ ફાટકે ઓવરબ્રિજની કામગીરી શરુ થવા સમયે વાહનોને ડાયવર્ઝન આપવાની જરુરિયાત ઉભી થશે. જીયુડીસી સહિતના તંત્ર સાથેના કોરસપોન્ડસમાં મનપા દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી ૧૦માં આવેલ અવકુડા માર્ગ પરના સાત કાચા-પાકા મકાનોના અનધિકૃત દબાણો તંત્રની ટીમ દ્વારા થોડા સમય અગાઉ દૂર કરાયા હતા. માર્ગ ખુલ્લો કરાયા બાદ મનપા તંત્ર દ્વારા રોડ પણ તાબડતોબ તૈયાર કરાયો છે. લોટિયા ભાગોળથી વિદ્યાનગર સુધી જનાર વાહન ચાલકો નવા માર્ગથી સીધા મોટા બજાર પહોંચી શકશે. ત્યાંથી જનતા ફાટકે તરફે જવામાં પણ વાહનચાલકોને સાનુકૂળતા રહેશે.