બોરસદના કાલુ ગામે મનરેગા યોજના હેઠળ રૂ. 6255ની ઉચાપતની ફરિયાદ
બોરસદ તાલુકાના કાલુ ગામે મનરેગા યોજના અંતર્ગત ચીતરાઈ તલાવડી ઉંડી કરવાના કામમાં મૃતકોની હાજરી ભરીને તેમના નામે પૈસા મેળવી લઈને તત્કાલીન મેટ અને જીઆરએસે ૬૨૫૫ રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત કરતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલુ ગામના બુધાભાઈ નારસિંહભાઈ પરમારે જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરીને ફરિયાદ કરવામાં આવી હતી કે, કાલુ ગામે તલાવડી ઉંડી કરવાના ચાલી રહેલા કામોમાં મેટ અને જીઆરએસ દ્વારા મૃતકોની હાજરી પુરીને તેમના નામે નાણાં મેળવી લેવામા ં આવ્યા છે. જેથી આ સમગ્ર ગેરરીતી બાબતે તાલુકા પંચાયત બોરસદ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવી હતી. જેમાં કાલુ ગામે રહેતા રમણભાઈ ફતાભાઈ પરમારનું તારીખ ૮-૫-૧૮ના રોજ મૃત્યુ થયું હોવા છતાં પણ તારીખ ૨૫-૫-૨૦ થી તારીખ ૩૦-૫-૨૦ સુધી દિન છની તેમના નામે હાજરી ભરાયેલી જોવા મળી હતી. જેની જાણ થતાં જ જીઆરએસ પંકજકુમારે ઉક્ત નાણાં ઓનલાઈન પરત જમા કરાવી દીધા હતા.
એજ રીતે હિંમતભાઈ ઉદાભાઈ પરમાર તારીખ ૧૧-૪-૧૭ના રોજ અવસાન પામ્યા હતા અને ચંદુભાઈ હિંમતભાઈ પરમાર તારીખ ૨૧-૭-૧૭ના રોજ અવસાન પામ્યા હોવા છતાં તેમના નામની હાજરી ભરીને કુલ ૪૯૮૮ રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી હતી. ઉક્ત નાણાં જમા કરાવી દેવાનું જણાવ્યા છતાં પણ તેમણે નાણાં પરત જમા કરાવ્યા નહોતા. આમ, તત્કાલીન મેટ સંજયભાઈ વિનુભાઈ સોલંકી અને જીઆરએસ પંકજકુમાર ગણપતભાઈ સોલંકીએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરીને પોતાના આર્થિક ફાયદા સારૂ ઠગાઈ કરવાના ઈરાદે મરણ ગયેલી વ્યક્તિઓની ખોટી સહીઓ કરીને હાજરી પુરી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેનો ઉપયોગ કરીને કુલ ૬૨૫૫ રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યો હોય, બોરસદ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હેતલબેન સરેશભાઈ શર્માએ વીરસદ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા ગત તારીખ ૧૭-૧૦-૨૩ના રોજથી જીઆરએસ પંકજકુમાર સોલંકીને ફરજમાંથી મુક્ત કરી દીધા હતા.જ્યારે કાલુ ગ્રામ પંચાયત દ્વારા તારીખ ૨-૧૦-૨૩ના રોજ ગ્રામ સભામાં ઠરાવ કરીને મેટ તરીકેની કામગીરીમાંથી સંજયભાઈ સોલંકીને છુટા કરી દેવામાં આવ્યા હતા.