આગ કેવી રીતે લાગી? કોની બેદરકારી હતી? આ સમગ્ર મામલે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથધરાઇ
આણંદ જિલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અચાનક આગ લાગવાથી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા 20 જેટલા વાહનો બળીને ખાખ થયા છે.
બોરસદ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવા ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનો આ પાર્કિંગમાં રાખવામાં આવ્યા હતા. સવારના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ બોરસદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બાઈક, મોપેડ અને કાર સહિતના વાહનો બળીને નષ્ટ થયા છે.
પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે. આગ આપઘાતી હતી કે કોઇ શડયંત્રના ભાગરૂપે લાગી હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસે આગની પાછળના સત્ય સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં જપ્ત વાહનોના સુરક્ષાને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. હકીકત જાણવા માટે ફોરેન્સિક અને અગ્નિશમન વિભાગની સહાય લેવામાં આવી રહી છે.
આગ કેવી રીતે લાગી? કોની બેદરકારી હતી? આ સમગ્ર મામલે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.