ઉમરેઠ પોલીસ દ્વારા ડીઝલ ચોરીમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, વધુ ત્રણ આરોપીઓ ફરાર
આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશનની ટીમે ચોરીના બનાવોને રોકવા માટે ખાસ પેટ્રોલિંગ દરમિયાન ડીઝલ ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે લિંગડા ચોકડી નજીક ભાલેજ રોડ પર કેટલાક શખ્સો એક કાર અને કન્ટેનરની મદદથી ડીઝલ ચોરી કરી રહ્યા છે. તાત્કાલિક કાર્યવાહી કરતા ઉમરેઠ પોલીસ ટીમ ત્યાં પહોંચી અને એક શખ્સને ડીઝલ ભરેલા કેરબા સાથે રંગેહાથ પકડી પાડ્યો.
પોલીસે ઠાસરાના જેસાપુરનો રેવાસી રઘુવીરસિંહ ચાવડાની ધરપકડ કરી છે, જ્યારે ગોટી, અજયસિંહ ઉર્ફે અજલો અને કિશોર ઉર્ફે કિશૂ નામના ત્રણ આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. આ ત્રણેય આરોપીઓ કોટ લિંડોરા, ઠાસરા, જી.ખેડાના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ આખી કાર્યવાહી ઉમરેઠ પોલીસ ઇન્સ્પેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓની સુચનાથી કરવામાં આવી હતી. ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્ટેબલો સહિતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ, પોલીસે આ ચોરીના ગઠબંધન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે.