આણંદ મહા નગરપાલિકા ઢોર ડબ્બામાંથી ઢોરોની ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા

આણંદ શહેરમાં આવેલા મહા નગરપાલિકા ઢોર ડબ્બામાંથી તાજેતરમાં 52 જેટલા ઢોર (ગાયો, વાછરડા, આખલા)ની ચોરી કરવામાં આવી હતી. ચોરી બાદ આરોપીઓ દ્વારા ઢોરોને બજારમાં છૂટા મુકી દેવામા આવ્યા હોય, જેથી આશરે રૂ.2,97,076 જેટલું નુકશાન થવાની ઘટના સામે આવી હતી. આ બનાવની ફરિયાદ ઢોર નિયંત્રણ અધિકારી, જયેશકુમાર રમેશભાઈ પટેલ દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકજી.જી.જસાણી દ્વારા જીલ્લામાં મિલ્કત સંબંધિત બનાવો અટકાવવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેથી આણંદના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ, પો.ઈન્સ. વી.ડી.ઝાલા તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. એન.બી.ડોડીયા એ ટીમ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ઢોર ડબ્બાની ચાવી મેળવવાના બહાને ડુપ્લીકેટ કી બનાવી, ગાયો સહિત કુલ 52 જેટલા ઢોર (ગાય, વાછરડા, આખલા) છોડી મૂકવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં ટેકનીકલ સોર્સ, સીસીટીવીફૂટેજ, તથા બાતમીદારોના આધારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1. અર્જુન મનુભાઈ પરમાર (ઉ.વ.24, રહે. ચીખોદરા ચોકડી, રાજોડ તલાવડી, ગિરનાર સોસાયટી પાછળ), 2. ભદ્રેશ ઉર્ફે ભયલુ કરશનભાઈ રબારી (ઉ.વ.35, રહે. પરીખભુવન, શાંતીનગરની બાજુમાં, રબારીવાસ), 3. સતીષ રામજીભાઈ રબારી (ઉ.વ.20, રહે. જીગર સોસાયટી, ગામડી પોલીસ લાઈન પાછળ),4. સુજય યોગેશભાઈ પટેલ (ઉ.વ.34, રહે. ગોપાલ ચોકડી, બેંક ઓફ બરોડાની સામે, લાલાજીની ચલી), 5. દશરથ હેમરાજભાઈ રબારી (રહે. આણંદ, રગડી તલાવડી, રબારીવાસ),6. દશરથ ચરણભાઈ રબારી (રહે. આણંદ, ગણેશ ચોકડી, રૂપાપુરા)નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન 35 જેટલા ઢોરોને પાછા શોધવામાં આવ્યા છે અને ઢોર નિયંત્રણ ટીમ દ્વારા મ્યુનિસિપાલ ગૌ શાળામાં પરત રાખવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આરોપીઓ સામે અન્ય ગુનાહીત પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે પણ તપાસ ચાલુ છે. ઉપરાંત આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાની કાર્યવાહી પણ કરાઇ રહી છે.