BSNLની પ્રથા – ન સેવા, ન રિફંડ? જૂના ગ્રાહકો હજી રાહ જુએ છે
એક સમયે સંદેશા વ્યવહાર માટે મોભાદાર ગણાતી ટેલિફોન સેવા છેલ્લા કેટલાક વર્ષોથી જાણે કે ગ્રાહકોની નજરમાંથી ઉતરી ગઇ છે. બીજી તરફ મોબાઇલયુગમાં નવા નવા ફીચર્સ હાથ વગા હોવાથી રણકતાં ટેલિફોન હવે જૂનવાણી ગણાય છે. આણંદ શહેરમાંથી અનેકો ગ્રાહકોએ ૧૦ વર્ષ અગાઉ તેમના ટેલિફોન બીએસએનએલની કચેરીમાં જમા કરાવ્યા હતા. પરંતુ વડી કચેરી, ઝોન કચેરી, જિલ્લા કચેરી વચ્ચે સંચારના સંકલનના અભાવે અનેકો ગ્રાહકોને હજી સુધી ડિપોઝીટના નાણાં પરત મળ્યા નથી. રૂ. ૧ હજારથી ૩ હજાર સુધીની રકમ પરત મેળવવા માટે ગ્રાહકોને દડમજલ ખેડવી પડી રહ્યાની સ્થિતિ ઉદ્દભવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બીએસએનએલની કામગીરી ખાડે ગયાનું જોવા મળી રહ્યું છે. સાથોસાથ ગ્રાહકલક્ષી સેવામાં પણ તત્કાળ સમસ્યાનું નિરાકરણ ન આવવા સહિતના કારણે કંપનીની આર્થિક સ્થિતિ પણ સખળડખળ બની છે. આણંદમાં ૧૭ નવે. ૧૯૮રના રોજ ઉદ્દઘાટન કરાયેલા બીએસએનએલની કચેરીમાં હાલ ભાગ્યે જ ગ્રાહકોની અવરજવર જોવા મળે છે. પરિણામે મસમોટું બિલ્ડીંગ જાણે કે સૂમસામ ભાસે છે.
આણંદ શહેરમાં અગાઉના સમયમાં બીએસએનએલના ર૦ હજાર ઉપરાંત ટેલિફોન ગ્રાહકો હતા. પરંતુ કંપનીની સેવામાં બેદરકારી અને બીજી તરફ મોબાઇલ યુગના કારણે ટેલિફોનનો મોહ ઘટતા અનેક ગ્રાહકોએ પોતાના ફોન બીએસએનએલ કચેરીમાં જમા કરાવ્યા હતા. જે તે સમયે ફોન જમા કરાયાની વડી કચેરીએથી પ્રકિયા પૂરી થયા બાદ ડિપોઝીટ પરત કરાશેનો મૌખિક જવાબ અપાતો હતો. પરંતુ ગ્રાહકને તો મહિનાઓ સુધી ધકકા ખાવા પડતા હતા. નવાઇની વાત એ છે કે અનેક ગ્રાહકોએ દસ વર્ષ અગાઉ ફોન જમા કરાવ્યા છતાંયે તેમની ડિપોઝીટ પરત મળી નથી. કચેરીના અધિકારિક સૂત્રોનુસાર અગાઉ ડિપોઝીટ પરત પેટે ગ્રાહકોને ચેક અપાતા હતા. પરંતુ કોરોના કાળ બાદ બીએસએનએલની ગ્રાહકલક્ષી સમગ્ર સીસ્ટમ અપડેટ કરવામાં આવી છે. પરંતુ અપડેટ સીસ્ટમમાં અગાઉના ગ્રાહકો અને જમા કરાવેલ ફોન અંગેનો કોઇ ડેટા જ જોવા મળી રહ્યો નથી. બીજી તરફ ફોન જમા કરાવ્યાની રીસીપ્ટ સહિતના ડોકયુમેન્ટ હોવા છતાંયે ઓનલાઇન તે નંબર વિશે કોઇ જાણકારી જ ઉપલબ્ધ નથી. વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી બીએસએનએલ દ્વારા ફોન જમા કરાવનાર ગ્રાહકોને ડિપોઝીટની રકમ તેમના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન જમા કરાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. પરંતુ જે તે સમયે ફોન લેનાર ગ્રાહકોને ફોર્મ ભરવા સાથે બેંક ડીટેઇલ આપી નહતી. જેથી અનેકો ગ્રાહકોની ડિપોઝીટની રકમ અટવાઇ પડી છે. વર્ષોજૂની આ સમસ્યાના નિરાકરણ માટે બીએસએનએલ દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રાહકોની માંગ થવા પામી છે.