પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો
પહલગામ હૂમલા બાદ ભારતે કડક પગલાં લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે
પહેલું : પાકિસ્તાન સાથે ૧૯૬૦નું સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. જયાં સુધી પાકિસ્તાન વિશ્વસનીયઅને અફર રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધીઆ કરાર સ્થગિ કરવામાં આવ્યું છે. બીજુ : અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. જે લોકોએ માન્ય પરવાનગી સાથે આ માર્ગ સરહદ પાર કરી છે તેઓ ૧ મે, ૨૦૨૫ પહેલા આ જ માર્ગે પાછા ફરી શકે છે. ત્રીજું : પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુકિત યોજના (એસવીઇએસ) હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહી. અગાઉ જારી કરાયેલા બધા એસવીઇએસ વિઝા અમાન્ય ગણવામાં આવશે. એસવીઇએસ વિઝા પર હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોએ ૪૮ કલાકની અંદર દેશ દોડી દેવો પડશે.
ચોથું : નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે. પાંચમું : ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ, અને વાયુસેના સલાહકારોને પાછા ખેંચી રહ્યું છે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે. બીજી તરફ, બુધવારે પહલગામના બૈસરનમાં આતંકવાદી હૂમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ઘ બેઠકો યોજાઇ હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠક યોજાઇ હતી. પીએમ આવાસ પર મોદીની અધ્યક્ષતામાં અઢીકલાકની બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ, વિદેશમંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ હાજર રહ્યા હતા. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહલગામ હૂમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે હૂમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર-એ તૈયબાનો નાયબ ચીફ સૈફુલ્લા ખાલિદ છે, જે પાકિસ્તાનમાં છે. અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) પણ તપાસ માટે પહલગામ પહોંચી ગઇ છે. આ હૂમલામાં ૫ આતંકવાદીઓ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ હતા. પોલીસે પૂછપરછ માટે સેંકડો લોકોની અટકાયત કરી છે. આ હૂમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા ની પ્રોકસી વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ હૂમલામાં અમારો કોઇ હાથ નથી. મંગળવારે બપોરે પહલગામમાં થયેલા આતંકી હૂમલામાં ૨૭ લોકોના મોત થયા છે. જયારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હૂમલો એવા સમયે થયો જયારે બૈસારન ઘાટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત,એમપી,મહારાષ્ટ્ર, કર્ણાટક,તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઇના એક-એક પ્રવાસી અને બે સ્થાનિકોના પણ મોત થયા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છેકે આ ૪ આતંકીઓની તસવીર છે. જેમણે પહલગામમાં હૂમલો કર્યો હતો. જો કે હજુ સુધી સેના કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઇ તસવીરો બહાર પાડવામાં આવી નથી.શંકાસ્પદ આતંકવાદીઓના માત્ર સ્કેચ જ બહાર પાડવામાં આવ્યા છે.
આતંકીઓની જાણકારી આપનારને ૨૦ લાખનું ઇનામ
જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. પોલીસે કહ્યું છે કે આતંકવાદીઓ વિશે નક્કર માહિતી આપનાર વ્યકિતને આ ઈનામ આપવામાં આવશે.
બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવાયા
-સિંધુ જળ સમજૂતીને રોકી દેવામાં આવી. -અટારી બોર્ડરથી અવરજવર બંધ કરી દેવામાં આવી. -પાકિસ્તાની વિઝા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. ૪૮ કલાકની અંદર દેશ છોડી દો. -પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ અને ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ પણ બંધ. પાકિસ્તાની રાજનેતાઓએ ૭ દિવસમાં દેશ છોડી દેવો જોઇએ. -આગામી નિર્ણય સુધી કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા નહી.
આતંકવાદ સામે ૩૫ વર્ષમાં પહેલીવાર કાશ્મીર બંધ
૩૫ વર્ષમાં પહેલીવાર આતંકવાદ સામે કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દુકાનો, ખાનગી શાળાઓ, કોલેજો અને પેટ્રોલ પંપ બંધ રહ્યા. ગુસ્સે ભરાયેલા લોકો ભારતીય ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાનના ધ્વજ અને ટાયરો સળગાવવામાં આવ્યા હતા. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન વિરૂદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષાદળો દ્વારા ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓના ભયાનક હૂમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ હૂમલા બાદ ખીણમાંથી ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જવાનો દ્વાા ઓવર ગ્રાઉન્ડ વકર્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ખીણમાં ચોતરફ બંદોબસ્તનીસાથે તમામ પોઈન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.