આણંદનો કરોડોનો બગીચો અપૂરતી સુવિધાઓ સાથે ખુલ્યો: નગરજનોમાં નારાજગી
નગરજનોના આનંદ-પ્રમોદ માટે બગીચા બનાવવા માટે રાજય સરકાર દ્વારા કરોડો રુપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રની ગાફેલગીરીના કારણે નાણાંનો સદ્દપયોગ કે નગરજનોને આનંદના બદલે પરેશાનીની સ્થિતિ સર્જાતી હોવાનું જોવા મળતું હોય છે. આ પ્રકારનો કિસ્સો આણંદમાં ટીપી ૯માં ર.૪૯ કરોડના ખર્ચ ગત ર૩ ડિસે.ર૦ર,ના રોજ લોકાર્પણ કરાયેલ બગીચા મામલે જોવા મળ્યો છે. લોકાર્પણ કરાયેલ બગીચામાં રમતગમતના સાધનો તૂટી ગયાનું અને પાણી-શૌચાલયની સુવિધા જ ઉપલબ્ધ કરવામાં આવી નહતી.ગત માસે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બગીચાની સમસ્યા મામલે અરજદારે પૂછેલ સવાલમાં મનપાના પદાધિકારીઓએ ૧૦ દિવસમાં કામગીરી થઇ જશેનો જવાબ આપ્યો હતો. પરંતુ સ્થિતિ યથાવત રહી હતી.
જેથી અરજદારે પુન: સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા મનપાએ આપેલા જવાબમાં વીજ જોડાણ મેળવવા ૧ માર્ચ,ર૦રપના રોજ અરજી કર્યાનું અને ર૧ માર્ચ,ર૦રપના રોજ એસ્ટીમેટની રકમ ભરપાઇ કર્યાની લેખિત કબૂલાત કરી હતી. મતલબ કે બગીચાનું લોકાર્પણ કરતા અગાઉ શૌચાલય, વીજ કનેકશન સહિતની મુખ્ય બાબતો પરિપૂર્ણ થઇ છે કે કેમ તે ચકાસવામાં મનપાના જવાબદાર પદાધિકારીઓએ બેદરકારી દાખવ્યાનું ઉજાગર થયું હતું.
ગત માસે થયેલ રજૂઆતમાં મનપા દ્વારા જવાબ રજૂ કરાયો હતો કે, તૂટેલા સાધનોનું રીપેરીંગ થઇ ગયેલ છે. પરંતુ આજના કાર્યક્રમમાં અરજદારે કાર્યક્રમના અધ્યક્ષ પ્રાંત અધિકારી સમક્ષ વાસ્તવિકતા રજૂ કરી હતી. ટીપી ૯માં ત્રણ માસ અગાઉ બનાવેલ નવા બગીચામાં બાળકોની રમતગમતના સાધનો ત્રણેક વખત તૂટી ગયા છે. જે પૈકીના અનેક હજીયે રીપેર કરાયા નથી. મનપાના પદાધિકારીએ જવાબ આપ્યો હતો કે, બગીચામાં કસરતના સાધનો તૂટી ગયા બાબતે ગત ર૮ માર્ચ,ર૦રપના રોજ કોન્ટ્રાકટરને નોટિસ આપી છે. વધુમાં વીજ જોડાણ ન હોવાથી સાધનોના વેલ્ડીંગ કામ થઇ શકતા નથી. ત્યારે ઉપસ્થિત અરજદારે કહયું હતું કે, જનરેટર લાવીને પણ કોન્ટ્રાકટર સાધનો રીપેર કરી શકે છે. જો કે આ મનપાના પદાધિકારીઓનો હાસ્યાસ્પદ જવાબ સાંભળતા પ્રાંત અધિકારીએ મનપાના એન્જિનીયર સહિત પદાધિકારીને ઝાટકયા હતા. તેઓએ કહયું હતું કે, કોન્ટ્રાકટરનો બચાવ કેમ કરી રહ્યા છો? ફટાફટ સાધનો વેલ્ડીંગ કરાવો. વધુમાં શૌચાલય બંધ અને પાણી ન આવતું હોવાની રજૂઆત મામલે ૧૦ દિવસમાં વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું મનપા તરફથી આશ્વાસન અપાયું હતું.
બતક-હરણની કૃતિ સ્ટોરરૂમમાં અને વાઘને શૌચાલયમાં બંધ કર્યો !
શહેરના ટીપી ૯માં નવા બનાવેલા બાગમાં બાળકોના આનંદ માટે સર્કલ બનાવીને તેમાં પશુ-પક્ષીની કૃતિ મૂકવામાં આવી હતી. જેમાં બતકના અંદાજે રૂ. ૮ હજાર, વાઘ રૂ.૬૦ હજાર અને સર્કલ બનાવવા સહિતનો અંદાજે કુલ ૧ લાખ ખર્ચ થયો હતો. બગીચાના લોકાર્પણના થોડા સમય બાદ બાગમાંથી હરણ, બતક અને વાઘની પ્રતિકૃતિ ગાયબ થઇ ગઇ હોવાની રજૂઆત થઇ હતી. ત્યારે મનપાના ડે.કમિશ્નરે જણાવ્યું હતું કે, કૃતિ ગાયબ થઇ ગઇ હશે તો નવી મૂકવા કોન્ટ્રાકટરને જાણ કરીશું. આ મામલે જાગૃત નાગરિકોએ તપાસ કરતા કોન્ટ્રાકટર દ્વારા બતક-હરણની કૃતિને સ્ટોરરૂમમાં અને વાઘની કૃતિને શૌચાલયમાં બંધ કરી દેવામાં આવ્યાનું જોવા મળ્યુ ંહતું. જેના ફોટોગ્રાફ પણ વાયરલ થઇ રહ્યા છે.