કાળઝાળ ગરમીમાં પણ બપોરે ચિત્રકલા પરીક્ષા: આણંદના ૪૯૮૭ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે દૂરના સેન્ટરો ફાળવાતા વાલીઓમાં ચિંતા
કાળઝાળ ગરમીના કારણે બપોરની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાનો રાજય સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવાયો હતો. પરંતુ સરકારના જ રાજય પરીક્ષા બોર્ડે તા. ર૪ અને રપ એપ્રિલે યોજાનાર ચિત્રકલાની એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના સેન્ટર ફાળવણીમાં બાળકોના સ્વાસ્થ્યની દરકાર સામે જાણે કે બુદ્વિનું દેવાળું ફૂંકયું છે.
આણંદ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા ધો.૬થી ૧રના કુલ ૪૯૮૭ વિદ્યાર્થીઓને ૧રથી ૧પ કિ.મી. દૂર સુધીના પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે. અત્યાર સુધી આ પરીક્ષાઓના સેન્ટરો વિદ્યાર્થીની મૂળ શાળાની આસપાસ નજીકના વિસ્તારોમાં ફાળવાતા હતા. પરંતુ આ વર્ષ રાજય પરીક્ષા બોર્ડની સેન્ટર ફાળવણી મામલે નિષ્કાળજીના કારણે શિક્ષકો, વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.
આણંદ જિલ્લામાં ચિત્રકલાની એલીમેન્ટરી (પ્રાથમિક ધો. ૬થી ૮) પરીક્ષામાં ૩૯૧૯ અને ઇન્ટર મિડીયેટ (માધ્યમિક)ના ૧૦૬૮ મળીને કુલ ૪૯૮૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરંતુ મૂળ શાળા કરતા દૂરના સ્થળે સેન્ટર ફાળવ્યા હોવા સામે હાલની કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીઓ સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવશે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશેની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ચિત્રકલાની પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે રૂ. પ૦ અને માધ્યમિકના વિદ્યાર્થીઓએ રૂ.૬૦ ફી ફોર્મ સાથે ભરી છે. આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જિલ્લામાં કુલ ૪૯૮૭ વિદ્યાર્થીઓએ હોલટિકિટ વેબસાઇટથી ઓનલાઇન જનરેટ થતા ડાઉનલોડ કરીને મેળવી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ગરમીનો પારો ૪૦ની આસપાસ રહેતો હોવા સાથે બપોરે હિટ વેવ અનુભવાતી હોય છે. ત્યારે કાળઝાળ ગરમીમાં બાળક સવારે ૧૦-૩૦થી સાંજે પ-૩૦ સુધીમાં ત્રણ પેપર આપે તેમાં વાલીએ સવારે ૮ વાગ્યાથી બાળકને લઇને નીકળવાની તૈયારી સાથે સાંજે ઘરે પરત પહોંચતા ૭ કે ૭.૩૦ થાય. આ સ્થિતિમાં સવારના નાસ્તા, બપોરના ભોજનની વ્યવસ્થામાં પણ વાલીઓએ દોડાદોડ કરવી પડશેનો ઘાટ સર્જાયો છે.
મોગરી શાળાના ૧૭ વિદ્યાર્થીઓને વડોદ અને ૧૬ને વાસદ સેન્ટર ફાળવાયું : ચિત્ર શિક્ષક
મોગરી શાળાના ચિત્રશિક્ષક પ્રગjેશભાઇએ જણાવ્યું હતું કે, દર વર્ષ આ પરીક્ષામાં અમારી શાળામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોવા સાથે વધુ ચિત્રો મોકલવામાં પણ શાળાના વિદ્યાર્થીઓ અગ્ર નંબર ધરાવે છે. અત્યાર સુધી મોગરી કે વધુમાં વધુ આણંદની શાળામાં પરીક્ષા સેન્ટર ફાળવાતું હતું. પરંતુ આ વર્ષ અમારી શાળાના ૧૭ વિદ્યાર્થીઓને વડોદ અને ૧૬ને વાસદ સેન્ટર ફાળવાયું છે. જેથી ગરમીના પ્રકોપભર્યા માહોલમાં પરીક્ષા આપવા જવા-આવવાની પરેશાની થશેની ચિંતામાં વાલીઓ,વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે. અગાઉના વર્ષો જેવી જ પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જો કે સ્થિતિ યથાવત રહેશે તો અનેક હોંશિયાર વિદ્યાર્થીઓ દૂર સેન્ટર હોવાના કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેવાની ચિંતા પણ થઇ રહી છે.
પ્રાથમિકમાં ૩ અને માધ્યમિકમાં ૪ વિષયો પર યોજાશે પરીક્ષા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી ર૪,રપના રોજ યોજાનાર પરીક્ષામાં પ્રાથમિક ચિત્રકામ કક્ષા પેપરમાં ૩ વિષયોનો સમાવેશ કરાયો છે. જેમાં નેચર (૧પ૦ મિનિટ), ભાતચિત્ર (૧પ૦ મિનિટ) અને ચિત્ર સંયોજન માટે ૬૦ મિનિટ ફાળવવામાં આવી છે. જયારે માધ્યમિક ચિત્રકામ કક્ષા પેપરમાં ૪ વિષયોમાં માનવસર્જીત પદાર્થ (૧૮૦ મિનિટ), ભાતચિત્ર (૧૮૦ મિનિટ), ચિત્ર સંયોજન (૧૮૦ મિનિટ) અને અક્ષર લેખન માટે ૧ર૦ મિનિટ ફાળવવામાં આવી છે.
બોર્ડની બેધારી નીતિ સામે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો પરેશાનીમાં મૂકાયા : પ્રમુખ, રાજય કલા શિક્ષક સંઘ
રાજય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઇ સેવકે જણાવ્યું હતું કે, નાના બાળકોને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે, સરળતાથી નજીકના સેન્ટરોમાં ચિત્રકલાની પરીક્ષા આપી શકે તેવું અત્યાર સુધીના વર્ષોમાં બોર્ડ દ્વારા આયોજન થતું હતું. પરંતુ ચાલુ વર્ષ બોર્ડે ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને પરીક્ષા કેન્દ્ર ફાળવવાના નિયમને જાણે કે ફગાવી દીધો છે. પરિણામે વિદ્યાર્થીઓને પોતાની શાળામાંથી ૧ર કે ૧પ કિ.મી. દૂર સેન્ટર ફાળવાતા બાળકોને સેન્ટર સુધી લઇ જવા, લાવવા માટે ખૂબ મુશ્કેલી ઉભી થાય તેમ છે. બોર્ડ એક તરફે વિદ્યાર્થીઓના હિતની વાત કરે છે અને બીજી તરફ દૂર સેન્ટર ફાળવીને અવઢવની સ્થિતિ સર્જે છે. કલા શિક્ષક સંઘ દ્ઘારા આ અંગે બોર્ડમાં વારંવાર રજૂઆત છતાંયે પરીક્ષાના આયોજન પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવી રહી છે.
રાજય પરીક્ષા બોર્ડના પરિપત્રમાં કેન્દ્ર ફાળવણીના ઉલ્લેખનો જ ઉલાળિયો !
રાજય પરીક્ષા બોર્ડના ૭ માર્ચા પરિપત્રમાં જે તે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઇને કલ્સ્ટર કક્ષાએ કોઇ એક શાળા પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને પરીક્ષા કેન્દ્ર રાખવાનું નકકી કરવાનો ઉલ્લેખ હોવા છતાંયે ૧રથી ૧પ કિ.મી. દૂર સેન્ટરો ફાળવાયા છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્ર નકકી કરવા બાબતે આખરી નિર્ણય રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કરશે. પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સેન્ટર પસંદગી અંગેનો કોઇ વિકલ્પ ન હતો. કાળઝાળ ગરમીમાં દૂરના સેન્ટર અંગેની સર્જાયેલ કમઠાણ અંગે રાજય પ્રા.શિ.મહાસંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.