આજથી આણંદમાં કોંગ્રેસનું ત્રિદિવસીય સંગઠન સૃજન અભિયાન શરૂ
આણંદ જિલ્લામાં આજથી કોંગ્રેસના ત્રિદિવસીય સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. રાહુલ ગાંધીએ અભિયાનની શરુઆત ૧પ એપ્રિલે કરી હતી. જેને સમગ્ર રાજયના જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવ્યું છે.
આણંદ કોંગ્રેસ સમિતિએ આજે સવારે ૧૧ કલાકે નિર્ધારિત પ્રેસ વાર્તામાં મુખ્ય નિરીક્ષક વિલંબથી આવતા કાર્યક્રમ અંદાજે અડધો કલાક મોડો શરુ થયો હતો. આણંદ જિલ્લા મુખ્ય નિરીક્ષક તરીકે સીડબલ્યુસીના સભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વિજય સિંગલા, પૂર્વ રાજયસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, બોટાદ જિ.પં. વિરોધ પક્ષના નેતા રમેશભાઇ શીલુ, ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ પરમાર, વલસાડના નેતા પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વિનુભાઇ સોલંકી, કા.પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ વગેરેએ સોૈને આવકાર્યા હતા.
વિજય સિંગલાએ ભાજપ દ્વારા ઇડીનો દૂરપયોગ અને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્વ ઇડીએ દાખલ કરેલ ચાર્જશીટને પક્ષપાતી અને કિન્નાખોરીયુકત ગણાવી હતી. જિલ્લામાં કોંગ્રેસના સંગઠન અંગે તેઓએ કહયું હતું કે, આજથી ત્રણ દિવસ સુધી પાંચેય નિરીક્ષકો આઠ તાલુકાની મુલાકાત લઇને કાર્યકરો અને નેતાઓ સાથે સંવાદ સાધશે. જેમાં નવા પ્રમુખ કે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અંગેના પ્રાપ્ત થનાર સૂચનો સહિતનો રિપોર્ટ તૈયાર કરાશે. ૩૧ મે પહેલા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કોંગ્રેસની ઘટતી જતી બેઠકો મામલેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળની સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં થયેલ હારનું મંથન કરીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે. પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી આગામી ર૦ર૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું લ-ય નકકી કરાયું છે. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા નાનામાં નાનો કાર્યકર પણ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી શકે છે તેમ પણ તેઓએ ઉમેર્યુ હતું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, નિરીક્ષકો દ્વારા જિલ્લાભરના કાર્યકરો-નેતાઓ સાથેની બેઠક બાદ જિલ્લા પ્રમુખની વરણી અંગે રિપોર્ટ તૈયાર કરશે. સંગઠનને મજબૂત બનાવવા સહિતના માપદંડોના આધારે પ્રમુખપદ માટે નિમણૂંક કરાશે.