અપહરણ પછી મળ્યો મૃતદેહ – વેપારીના દીકરાની હત્યા કે કંઈક વધારે?
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામે માર્બલ વેપારી એકલવ્યભાઈ પુષ્પકભાઈ પટેલ રહેતા હતા. પી.જે.ટ્રેડર્સના નામે માર્બલ-ટાઈલ્સનો ધંધો કરતાં એકલવ્યભાઈના ઘરમાં કોઈ જાતની કમી નહોતી. વાસદ-બોરસદ રોડ પર ચોકડી પાસે તેમનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું હતું. જેમાંની ઘણી દુકાનો તેમણે ભાડેથી આપી હતી. આ જ કોમ્પ્લેક્સની પાછળ એકલવ્યભાઈ પટેલનું માર્બલનું ગોડાઉન હતું. 30 વર્ષીય પુત્ર જૈમીન પટેલ પણ પિતાને માર્બલમાં ધંધામાં મદદ કરવાની સાથે ફાઇનાન્સનું કામ કરતો હતો. સાથે જમીન લે-વેચનું પણ કામ કરતો હતો. જૈમીન એકનો એક દીકરો હતો અને હાલમાં તેના લગ્ન થયા હતા. સુખી-સંપન્ન આ પટેલ પરિવારને એ દિવસે કોઈની નજર લાગી હતી.
તારીખ 16મી સપ્ટેમ્બર, 2016નો દિવસ હતો. એકલવ્યભાઈ પટેલનો દીકરો જૈમીન બપોરના 2 વાગ્યે આણંદ જવાનું કહીને ઘરેથી પોતાની હોન્ડાસિટી કાર લઈને નીકળ્યો હતો. થોડાક સમય પછી એકલવ્યભાઈએ દીકરા જૈમીનને તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. રિંગ વાગતી હતી પણ જૈમીન ફોન ઉપાડતો નહોતો. પિતા એકલવ્ય પટેલને વાગ્યું કે દીકરો કંઈક કામમાં હશે.
થોડો સમય પછી સવા પાંચ વાગ્યે એકલવ્યભાઈના મોબાઈલ પર કોલ આવ્યો. સામેથી હિન્દીમાં અવાજ આવ્યો, ‘કૌન બોલ રહા હૈ? જૈમીન કા બાપ બોલ રહા હૈ?’ જેના જવાબમાં એકલવ્યભાઇએ હા કહ્યું. તો સામેવાળાએ ધમકીના અવાજમાં કહ્યું, ‘તેરે બેટે કો ઉઠા લિયા હૈ ઔર યુપી જા રહા હૂં. જિંદા રખના હૈ તો દો કરોડ રૂપિયા તૈયાર રખના. ઔર પુલિસ કો મત બતાના. ખુદા હાફિઝ’. આટલું સાંભળતા જ એકલવ્યભાઈના શરીરમાંથી કંપારી છૂટી ગઈ અને પરસેવો વળી ગયો. થોડીકવાર તો ખબર જ ન પડી કે શું થયું છે. પછી લાગ્યું કે કોઈક મજાક કરતું લાગે છે. એટલે તેમણે દીકરા જૈમીનને ફરી કોલ કર્યો. પણ આ વખતે ફોન સ્વિચ ઓફ આવતો હતો.
એકલવ્યભાઈએ ઘણું વિચાર્યું કે હવે શું કરવું? ખંડણીનો કોલ કરનારે પોલીસને આ અંગે વાત ન કરવાની પણ ચેતવણી આપી હતી. એકલવ્યભાઈએ ઘરના નજીકના લોકોને વાત કરી. અંતે પોલીસમાં જાણ કરવાનું નક્કી કર્યું. એકલવ્યભાઈ પરિવારજનો સાથે હાંફળા-ફાંફળા જઈને આંકલાવ પોલીસ મથકમાં પહોંચ્યા. જ્યાં તેમણે પોલીસને દીકરા જૈમીનના ઘરેથી નીકળવાથી લઈને ખંડણીના કોલ સુધીની તમામ વાત કરી. તત્કાલીન PSI પરેશ ખાંભલાએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. આ અંગે તત્કાલીન SP સૌરભસિંઘને પણ માહિતગાર કર્યા.
એકલવ્યભાઈનું આજુબાજુના વિસ્તારમાં મોટું નામ હતું. પોલીસે જૈમીનનો ફોટો બધાં પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યો. જૈમીનની કાર તેના શોપિંગ સેન્ટર પર જ હતી. પોલીસ આજબાજુનો વિસ્તાર ખૂંદી વળી પણ જૈમીનનો કોઈ પત્તો લાગ્યો નહીં. આમ ને આમ રાત્રિના 12 વાગ્યા છતાં કોઈ કડી ન મળી. કેસ વધુ ગંભીર બની ગયો હતો. આથી તત્કાલીન SP સૌરભસિંઘે લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક્ટિવ કરી. પેટલાદ ડિવિઝનના તત્કાલીન DySP જે એન દેસાઇ અને તત્કાલીન PI આર ડી ડાભી (હાલમાં DySP મોડાસા) બધાને ઈન્વોલ કરવામાં આવ્યા.
આ દરમિયાન જે મોબાઈલ નંબર પરથી માર્બલના વેપારી એકલવ્યભાઈ પુષ્પકભાઈ પટેલને ખંડણી માટે કોલ આવ્યો હતો એ બંધ થઈ ગયો. આથી પોલીસ માટે વધુ ચેલેન્જ ઊભી થઈ હતી. બીજી તરફ એકલવ્યભાઈ અને તેમના પરિવારનો જીવ પડીકે બંધાયો હતો. દીકરાના ગુમ થતાં ઘરમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
એકલવ્યભાઈને ખંડણીનો કોલ કરનાર હિન્દી ભાષામાં વાત કરતો હતો. એટલે પોલીસે ગુજરાત બહારના આરોપીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજી તરફ પોલીસની એક ટીમે મોબાઈલ નંબરોના ડેટા સર્ચ કરવાનું શરૂ કર્યું. કોઈ કડી ન મળતાં પોલીસની તપાસ એક સમયે અટકી ગઈ હતી. મોડી રાત્રે એક વાગ્યે પોલીસને થોડીક આશા જાગી. ટેક્નિકલ સેલના હિતેશભાઈ ચૌધરીએ કહ્યું, ‘સાહેબ આ નંબર મને ડાઉટફુલ લાગે છે. ‘ DySP જે એન દેસાઇ અને તત્કાલીન PI આર ડી ડાભીએ ASI શ્રીપાલને તુરંત એક ટીમ સાથે રવાના કર્યા. પોલીસે અગાઉથી અલગ-અલગ ટીમો બનાવીને જ રાખી હતી . જેથી કંઈ પણ મળે તો તેને તાત્કાલિક મોકલી શકાય.
અત્યાર સુધી અંધારામાં તીર મારતી પોલીસ પાસે હવે એક શંકાસ્પદ મોબાઈલ નંબર હતો. ASI શ્રીપાલની ટીમે તાત્કાલિક લુણાવાડા પહોચીને એક શખની અટકાયત કરીને પૂછપરછ કરી. જેમાં પોલીસને સફળતા મળી. તેની પાસેથી અન્ય બે શખ્સોનાં પોલીસને નામ મળ્યાં. આ બંને શખ્સો અમદાવાદના હતા. એટલે પળનો પણ વિલંબ કર્યા વગર આણંદ પોલીસ અમદાવાદ પહોંચી. જોકે પોલીસ પહોંચે એ પહેલાં આ બને શખ્સ અમદાવાદ છોડી ચૂક્યા હતા. બંને શખ્સો પોલીસના હાથમાં ન આવ્યા. પોલીસને ફરી થોડી નિરાશા મળી.
જોકે પોલીસે હાર નહોતી માની. ટેક્નિકલ મદદથી બંનેના મોબાઈલ નંબર ટ્રેસ કરવાના શરૂ કર્યા. જેમાં તેઓનું લોકેશન શોધી નાખ્યું. બંને આરોપીઓ હિંમતનગર તરફ જતા હતા. આણંદ પોલીસ આટલી ઝડપથી ત્યાં પહોંચી શકે તેમ નહોતી. જેથી તેમણે હિંમતનગર પોલીસનો સંપર્ક કરીને બંને આરોપીનાં વર્ણન આપ્યાં હતાં. જેના આધારે હિંમતનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી મોતીપુરા સર્કલ પર બે યુવાનોની એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. બંને 18 વર્ષના લવરમૂછિયા હતા.
પોલીસને જોતા જ બંનેના મોતિયા મરી ગયા. પોતે અત્યાર સુધી માનતા હતા કે તેમણે ફુલપ્રફ પ્લાન બનાવ્યો છે. તેઓ નિશ્ચિત થઈને ફરતા હતા. પણ જેવા પોલીસની પક્કડમાં આવ્યા તેમના હાથપગ ધ્રૂજવા લાગ્યા હતા.
જૈમીનને જીવતો છોડાવવા માટે પોલીસ આકાશપાતળ એક રહી રહી ત્યારે બીજી તરફ અલગ જ ખેલ ભજવાઈ રહ્યો હતો. 220 કિમી દૂર દક્ષિણ ગુજરાતમાં વાંસદા તાલુકાના કબોઈ ગામે અડધો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.
સવારના સમયે જંગલમાં છોકરાઓ બકરાં ચરાવતા હતા. અનાચક એક છોકરાનું ધ્યાન ગયું. સામે એક સળગેલી હાલતમાં લાશ હતી. છોકરાઓએ દોડતાં-દોડતાં ગામના લોકોને વાત કરી. ગામના લોકોએ આવીને જોયું તો રોડની બાજુમાં કોઈએ પેટ્રોલ નાખીને લાશ સળગાવી દીધી હતી. પણ બૂટ અને પગનો ભાગ રહી ગયો હતો. ગામના લોકોએ પોલીસને જાણ કરી. તાત્કાલિક વાંસદા પીએસઆઈ જે.વી.ચાવડા ઘટનાસ્થળ પહોંચ્યા. તેમણે આજુબાજુમાં પ્રાથમિક તપાસ કરી. બાદમાં પુરાવા એકત્રિત કરી લાશને એફએસએલ સુરત ખાતે મોકલી આપી હતી.