નશાની રફ્તાર બની કહેર: ત્રણ કારને ટક્કર, બે મહિલા ઘાયલ
પાવાગઢ દર્શન કરીને પરત ગાના જતા બે પરિવારોની કીયા, એક્સયુવી અને આઈ-૨૦ કારને ટક્કર મારતા નુકશાન રાત્રીના ૧૧.૩૦ કલાકે સત્યનારાયણ હોટલની ધારે ગાડીઓ ઉભી રાખીને ચા-નાસ્તો કરવા જતાં સર્જાયેલો અકસ્માત
નેશનલ હાઈવે નંબર ૮ ઉપર આવેલા વાસદની સત્યનારાયણ હોટલ પાસે ગઈકાલે રાત્રીના સુમારે ચા-નાસ્તો કરવા માટે ઉભી રહેલી ત્રણ જેટલી ગાડીઓને દારૂ પીને ટેન્કર ચલાવતા ચાલકે ટક્કર મારતાં તેમા સવાર બે મહિલાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વાસદ પોલીસે ટેન્કરના ચાલકને ઝડપી પાડીને તેની વિરૂદ્ઘ અકસ્માત અને દારૂ પીને વાહન ચલાવવાનો એમ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર ફરિયાદી કિરટકુમાર મણીલાલ પટેલ (રે. ગાના) ગઈકાલે પોતાની કીયા ફેરનસ ગાડી નંબર જીજે-૨૩, સીજી-૨૨૧૮માં ભત્રીજા કીર્તન, તેના બે મિત્રો, સાઢુભાઈ ભાવેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ અને સાળી નિતાબેન તેમજ પાડોશી અલ્પેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ તેમની એક્સયુવી કાર નંબર જીજે-૦૧, કેપી-૯૮૧૭માં પત્ની તેમજ સાળી જયશ્રીબેન ચીંતનભાઈ પટેલ સાથે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને રાત્રીના સુમારે પરત ગાના જવા નીકળ્યા હતા. રાત્રીના ૧૧.૩૦ કલાકે વાસદની સત્યનારાયણ હોટલ પાસે આવતા જ રોડની ધારે સાઈડમાં બન્ને ગાડીઓ ઉભી રાખી હતી. અને ચા-પાણી કરવા માટે ગયા હતા. કીયા કારમાં નીતાબેન બેઠા હતથ્ જ્યારે અલ્પેશભાઈના સાળી જયશ્રીબેન પણ તેમની એક્સયુવી કારમાં બેસી રહ્યા હતા.તેમની ગાડીઓની પાછળ ખંભાત તાલુકાના કલમસર ગામે રહેતા જયદિપસિંહ સુખદેવસિંહ પરમારે પોતાની આઈ-૨૦ કાર નંબર જીજે-૧૨, સીપી-૩૮૬૯ની ઉભી રાખી હતી.
દરમ્યાન વડોદરા તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટેન્કર નંબર જીજે-૦૬, એએક્સ-૦૫૧૭એ પહેલા આઈ-૨૦ કાર સહિત ત્રણેય કારોને ટક્કર મારતા તેમાં સવાર નિતાબેન અને જયશ્રીબેનને માથામાં તેમજ શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી. ધડાકાભેર અકસ્માત થતાં જ કિરિટકુમાર સહિત અન્યો આવી પહોંચ્યા હતા. ટેન્કરના ચાલકે થોડે દુર જઈને પોતાનું ટેન્કર ઉભુ કરી દીધું હતુ. તેની તપાસ કરતા ચાલક ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ વાસદ પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને ટેન્કરના ચાલકનું નામઠામ પુછતાં તે યુપીનો રાજકુમાર અમરનાથ સરોજ હોવાનું જણાવ્યું હતુ. બીજી તરફ ઘવાયેલી બન્ને મહિલાઓને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા વાસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટેન્કર કબ્જે કરીને ચાલક વિરૂધ્ધ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.