ચૈત્ર માસ અને લગ્ન પ્રસંગોએ ફૂલોની બજારમાં જોરદાર તેજી
હાલમાં લગ્નની સિઝન પૂર બહાર ખીલી છે સાથે સાથે ચૈત્ર માસ ચાલતો હોઈ ધાર્મિક કાર્યક્રમો મેળાવડા પણ થતાં હોઈ ફૂલોની માંગમાં વધારો થયો છે. ફૂલોની માંગમાં વધારો થતાં ભાવ પણ ઉચકાયા છે. જો કે ફૂલોનો ભાવ ફૂલોનો પ્રકાર અને રંગ આધારીત વધઘટ જોવા મળે છે. પરંતુ સફેદ જલબેરાનો ભાવ સૌથી ઊંચો બોલાવી રહ્યો છે.
ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રિ, રામનવી, હનુમાન જયંતિ વગેરે ધાર્મિક તહેવારોમાં ફૂલોનો વપરાશ થાય છે. મંદિરમા સુશોધન અને શણગાર કરવા સહિતના કામમાં હજારી જલબેરા, ગુલાબ વગેરેના ફૂલોનો ઉપયોગ થાય છે. જ્યારે લગ્ન પ્રસંગમાં વરરાજાની ગાડી શણગારવા, બુકે વગેરેમાં પણ ફૂલોનો વપરાશ થાય છે. હાલમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત લગ્નો પણ લેવાતા હોઈ ફૂલોની માંગમાં વધારો થયો છે.
ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલ અનિલ રામીના જણાવ્યા મુજબ વાર તહેવારે ફૂલોના ભાવમાં ચઢ ઉતર થતી રહી છે. હાલમાં ધાર્મિક અને લગ્ન પ્રસંગોમાં ફૂલોની માંગ વધુ રહે છે. વરરાજાની ગાડી શણગારવામાં પણ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ થાય છે. એટલે હાલમાં ફૂલોનો ભાવ ઉચકાયો છે. તેમાય સફેદ ફૂલોનો ભાવ ટોચ પર છે. લીલીની એક ઝૂડીનો ભાવ રૂપિયા૬ થી ૧૦ બોલાય છે. ગુલાબ રૂપિયા ૨૦ થી ૩૦ માં એક કિલો મળે છે. પરંતુ જલબેરાનો ભાવ એક કિલોનો રૂપિયા ૬૦ થી ૭૦ બોલાય છે. હજારીના ફૂલ રૂપિયા ૪૦ થી ૫૦ માં એક કિલો મળે છે. ગેબી રૂપિયા ૨૦ થી ૩૦ માં એક કિલો મળે છે. આમ હાલની લગ્ન સિઝનમાં ફૂલોનો ભાવ ઉચકાયો છે. તેમ છતાં ગ્રાહકો ગાડી શણગારવા અને બુકે માટે મોં માગ્યા દામ આપે છે.