ભલાડા ગામમાં ત્રણ દિવસથી ગૂમ યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો, પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો
માતર તાલુકાના ભલાડા ગામના ત્રણ દિવસથી ગૂમ એક યુવકનો મૃતદેહ ગામની ભાગાળે એક કૂવામાંથી મળી આવતા મૃતકના પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી ભારે હોબાળ મચાવી પોલીસને યુવકનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવા દીધો ન હતો. જો કે ગામના આગેવાનોએ મધ્યસ્થી કરી પરિવારજનોને સમજાવતા આખરે પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થ મોકલી આપ્યો છે. આ મોત પાછળ હજુ પણ રહસ્ય અકબંધ હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર માતરના ભલાડા ગામ ખાતે પંચાયત ઓફિસ પાછળ રહેતા પ્રકાશભાઈ શીવાભાઈ રાવળનો દીકરો જયદિપ ઉર્ફે જલ્લો (ઉં.વ.૧૯) તા. ૧૪ એપ્રિલના રોજ સવારના સમયે રહસ્યમય રીતે ગૂમ થયો હતો. જયદીપ મોડા સુધી ઘરે ન આવતા ઘરના લોકો ચિંતિત બન્યા હતા અને તેની સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે જયદીપ ઉર્ફે જલ્લુનો કોઈ પત્તો મળ્યો ન હતો. જેથી પ્રકાશભાઈ રાવળે આ અંગે લિંબાસી પોલીસને જાણ કરી હતી. જેના અનુસંધાનમાં લીંબાસી પોલીસે ગૂમ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન ત્રણ દિવસ્થી ગૂમ જયદીપ ઉર્ફે જલ્લુનો મૃતદેહ આજે બપોરના ગામની ભાગોળે આવેલ એક કુવામાંથી મળી આવ્યો હતો. જેની જાણના પગલે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દરમ્યાન પ્રકાશભાઈ રાવળ અને પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. લીંબાસી પીએસઆઈ વાઢીયા અને પોલીસ ટીમ પણ ત્યાં દોડી આવી હતી અને પોલીસે કૂવામાંથી જયદીપ ઉર્ફે જલ્લાનો મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી તે સાથે જ પરિવારજનોએ ભારે હોબાળો મચાવી પોલીસને કૂવાાંથી મૃતદેહ બહાર કાઢવા દીધો ન હતો. સાથે રોષે ભરાયેલ પરિવારજનોએ પોતાના લાડકવાયા જયદીપ ઉર્ફે જલ્લાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં ગામના છ મહિના પહેલા સીસીટીવી કેમેરા પણ ગ્રામ પંચાયતની બેદરકારીને લઈ બંધ હાલતમાં હતા. જેને લઈ ગૂમ જયદીપની ભાળ મળી શકી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમ્યાન ભલાડાના વતની એવા માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રોષે ભરાયેલ જયદીપ ઉર્ફે જલ્લાના પરિવારજનોએ ધારાસભ્ય કલ્પેશ પરમારને પણ ઘેરાવ કરીને ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે ગામના આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. બાદ પોલીસે કુવામાંથી જયદીપ ઉર્ફે જલ્લાનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થ મોકલી આપ્યો હતો. લીંબાસી પોલીસે આ અંગે અપમૃત્યુનો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક જયદિપ મોબાઈલ ગેમ રમવાની આદત ધરાવતો હતો
મરનાર જયદીપની લાશ આજે કુવામાંથી કાઢી હતી અને પીએમ માટે મોકલી આપી છે. આ બાબતે પીએસઆઈ વાઢીયાએ જણાવ્યું હતું કે તા. ૧૪ના રોજ જયદીપ ગૂમ થયો હતો. તે દિવસે સાંજે તેમની ગૂમ થવા અંગેની જાણવા જોગ અમોએ નોંધી હતી. અને ગામમાં જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા હતા તેના દ્વારા તપાસ હાથ ધરી હતી. જો કે આજે તેમની લાશ ગામના કૂવામાંથી મળી છે તેને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી છે. પીએમમમાં આવશે તેના આધાર પર તપાર હાથ ધરાશે. હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. ગૂમ થનાર જયદીપને ઘરમાં કોઈએ કોઈ જાતનો ઠપકો કે કાંઈ કીધું ન હતું છતાં આ ઘટના બની છે. એટલે ગંભીર લઈને તપાસ હાથ ધરી છે. એક વાત એવી પણ બહાર આવી કે મરનાર જયદીપ મોબાઈલ ગેમનો આદિ હતો. અને તે પબજી જેવી ગેમ રમતો હોવાનું જાણવા મળ્યું છે.