આણંદ જિલ્લાના વીજ ચોરીના મામલે વિજિલન્સની કડક કાર્યવાહી: 43 લોકોને દંડ સાથે રંગેહાથ ઝડપી
આણંદ જિલ્લાના વીજ ચોરીની ફરિયાદોને પગલે વીજીલન્સ ટીમોએ સપાટો બોલાવીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્યારે 289 વીજ કનેકશનો ચેક કરીને 43 વીજ ચોરને રંગેહાથ ઝડપીને 12 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્ય હતો.
ઉનાળાની ગરમીમાં લાઇટ બીલ બચાવવાના હેતુથી વીજ ધારકો જુદા જુદા નુસખા અપનાવી રહ્યાં છે. વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે 15 જેટલી ટીમોએ આસોદર, આંકલાવ, સહિત અન્ય પંથકમાં વહેલી સવારે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કોમર્શિયલ, ખેતીવાડી ,રહેણાંક સહિત અન્ય 289 વીજ મીટરોની ચકાસણી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં 43 વીજ ધારકોને રંગે હાથ ઝડપી પાડીને 12 લાખ ઉપરાંત રકમનો દંડ ફટકાર્યો હતો.
જો કે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ પાક ગરમીના કારણે પિયતની જરૂર વધુ પડે છે. જેથી ખેડૂતો બિલ બચાવવા માટે ટેટા નાંખીને ડાયરેકર મોટર ચલાવતા હોય છે. તો શહેરી વિસ્તારમાં વીજ મીટર સાથે ચેડા કરીને વીજ બિલ ઓછું આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. જેથી વીજ લોડ સામે વીજ વપરાશ ઓછો દર્શાવે તેવા વિસ્તારમાં ચેકીંગ કરાય છે.