Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ટૂલકીટ લોનની મંજૂરીમાં વિલંબ: આણંદના હજારો કારીગરો સતત રાહ જોતા

ટૂલકીટ લોનની મંજૂરીમાં વિલંબ: આણંદના હજારો કારીગરો સતત રાહ જોતા

નાના વ્યવસાયો,કામદારોને રોજગારી માટે ટૂલકીટ અને લોન ઉપલબ્ધ થાય તે માટેની સરકારની વધુ એક યોજના પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાંયે આણંદ જિલ્લામાં લાભાર્થીઓને ધરમધકકાનો અનુભવ કરવો પડી રહ્યાની સ્થિતિ છે. કેન્દ્ર સરકારની બહુઆયામી આ યોજના માટે ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થીના અરજીના સ્ટેટસ અંગે જિલ્લામાં એકપણ વિભાગ કે પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી. જેથી સરકારે નિયત કરેલા આઇટીઆઇ સહિતની સંસ્થામાં તાલીમ મેળવ્યા બાદ ટૂલકીટ અને લોન માટે લાભાર્થીઓને હાલની કાળઝાળ ગરમીમાં પણ અહીંથી તહીં પૂછપરછ માટે દોડધામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં જાણવા મળ્યાનુસાર પ૦ હજાર ઉપરાંત લાભાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી તાલીમ સહિતની પ્રકિયા પૂર્ણ કરનાર પૈકીના ૧૫ હજારથી વધુ લાભાર્થીઓ એક વર્ષ ઉપરાંતથી ટૂલકીટ-લોનની કાગડોળે રાહ જોઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

દેશની અર્થવ્યવસ્થાના કામદારોમાં કારીગરો અને હસ્તકલા કારીગરોનો નોંધપાત્ર રીતે સમાવેશ થાય છે. આ પરંપરાગત કારીગરો અનને હસ્તકલા કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ લુહાર, સુવર્ણકાર, કુંભાર, સોની, શિલ્પકાર વગેરે વ્યવસાયોમાં રોકાયેલા છે. આ કૌશલ્યો અથવા વ્યવસાયો ગરુ-શિષ્ય મોડેલની પરંપરાગત તાલીમ અનુસરીને, પરિવારો અને કારીગરો તથા કારીગરોના અન્ય અનૌપચારિક જૂથો અંમ બંનેમાં પેઢી દર પેઢી અપનાવવામાં આવે છે. સંસદના ર૦ર૩-ર૪ના મોનસૂન સત્રમાં વડાપ્રધાનના જન્મદિને પીએમ વિશ્વકર્મા યોજના જાહેર કરવામાં આવી હતી અને તેને પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં સપ્ટે.ર૦ર૩થી આ યોજના અમલી બની હતી. સમગ્ર યોજનાને એમએસએમઇ, ભારત સરકારની મંજૂરી સાથે રાષ્ટ્રીય સંચાલન સમિતિ દ્વારા વ્યવસાયોની યાદીને અદ્યતન બનાવીને તેમાં ફેરફારો કરવા સહિતની પ્રકિયા હાથ ધરાઇ હતી. આ યોજનામાં કારીગરો અને હસ્તકલા કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપવા સાથે એક યુનિક ડિજિટલ નંબર આપવામાં આવે છે. પ્રમાણપત્ર ધારક યોજના હેઠળના તમામ લાભો મેળવવા માટે પાત્ર બને છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં પ૦ હજારથી વધુ અરજદારોએ યોજના હેઠળ અરજી કરી છે. આણંદ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલા લાભાર્થીઓના હાલના કૌશલ્ય સ્તરને સુનિશ્ચિત કરવા કૌશલ્યની ચકાસણી કર્યા બાદ તાલુકાઓમાં નકકી કરાયેલ આઇટીઆઇ, સંસ્થાઓમાં મૂળભૂત તાલીમ આપવામાં આવી રહી છે. જે વધુમાં વધુ સાત દિવસની હોય છે. તાલીમ દરમ્યાન ભોજન-રહેવાની વ્યવસ્થા સાથે વેતન વળતર સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થીને અપાનાર રૂ. ૧પ હજારના ટૂલકીટ પ્રોત્સાહન માટે વિશેષ તાલીમ આપ્યા ઇ-વાઉચર અપાય છે. જેનો ઉપયોગ સુધારેલ ટૂલકીટ મેળવવા માટે લાભાર્થી નિર્દિષ્ટ કેન્દ્રો પર અરજી કરી શકે છે. ત્યારબાદ મળનારી રૂ. ૧ લાખની લોનનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવવાનું આયોજન કરાયું છે. લાભાર્થીને પ્રથમ તબકકામાં રૂ. ૧ લાખ સુધીની લોન ૧૮ મહિના માટે અને બીજા તબકકામાં રૂ. ર લાખ સુધીની લોન ૩૦ મહિના માટે અપાય છે. જેની માસિક હપ્તામાં ચૂકવણી કરવાની હોય છે. જો કે લાભાર્થી લોનના પ્રથમ અને બીજા તબકકા બંને માટે વ્યાજ સહાય મેળવવાને પાત્ર હશે. આ યોજના હેઠળ નોંધણી અને લાભો પરિવારના એક સભ્ય સુધી મર્યાદિત રખાયા છે. આર્થિક રીતે અસક્ષમ કારીગર માટે આ યોજના દિવાદાંડી સમાન છે. પરંતુ ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી મંજૂર થઇ કે કેમ, ટૂલકીટ માટે કયાંથી જવાબ મેળવવો, લોન સહિતની જાણકારી મેળવવા માટે લાભાર્થીઓને જિલ્લામાં કોઇ નિયત વિભાગ કે સ્પષ્ટ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું નથી. પરિણામે તાલીમ મેળવ્યા બાદ પણ લાભાર્થીઓને કચેરીઓની દડમજલ ખેડવી પડે છે. પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મનપાનો યુસીડી સહિતના વિભાગો અમે ઓનલાઇન અરજી રાજયમાં સબમીટ કરી દીધી છે અને ત્યાંથી તમને જવાબ આવશેનો જવાબ આપવામાં આવી રહ્યાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે. પરિણામે નાના વ્યવસાયીઓ માટે આશાનું કિરણ બનેલ યોજનાનું બાળમરણ થઇ રહ્યાની સ્થિતિ ઉદ્દભવ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગંભીર બાબત એ છે કે કેટલા લાભાર્થીઓ નોંધાયા તેના આંકડા બિછાવ્યા વગર યોજનામાં ખરેખર લાભ મેળવ્યો હોય તેવા લાભાર્થીઓની યાદી જાહેર કરવી જોઇએ. સાથોસાથ તાલુકા મથકોએ આ યોજનામાં પરેશાની અનુભવતા લાભાર્થીઓને સાચો રસ્તો મળી રહે તેનું માર્ગદર્શન આપતો વિભાગ કાર્યરત કરાય તો જ નાના વ્યવસાયકારો માટેની યોજના ફળદાયી બની રહે.

Advertisement

૬ માસ અગાઉ યુસીડીમાં ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તપાસ કરવાનું જણાવે છે : અરજદાર

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત આણંદ મનપાના યુસીડી વિભાગમાં છ માસ અગાઉ ઓનલાઇન ફોર્મ ભરનાર અરજદારે જણાવ્યું હતું કે, યુસીડીમાં અમે જરુરી ડોકયુમેન્ટ જમા કરાવ્યા હતા. હવે અમારી અરજી મંજૂર થઇ કે કેમ તે અંગેની પૃચ્છા કરતા યુસીડીના જવાબદાર અધિકારી કહે છે કે, અમને ખબર નથી. અમે ફોર્મ ઉપરની કચેરીએ મોકલાવ્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તપાસ કરો. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જિલ્લામાંથી આવેલ અરજીઓને ઓનલાઇન રાજયમાં મોકલવામાં આવે છે. સમગ્ર પ્રકિયા અંગે જાણકારી હોવા છતાંયે જવાબદાર વિભાગો અરજદારને ખો આપતા હોવાની સ્થિતિ ઉદ્દભવી છે.

તાલીમ મેળવનાર પૈકી મોટાભાગના લાભાર્થીઓને ટૂલકીટ-પ્રમાણપત્ર પહોંચ્યા નથી

યોજના અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમોનુસાર મંજૂર થયેલ લાભાર્થીઓને સરકારે નિયત કરેલ સંસ્થા,આઇટીઆઇમાં કૌશલ્ય અંગે તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કરનારને પ્રમાણપત્ર અને ટૂલકીટ કેન્દ્રના એમએસએમઇ વિભાગ દ્વારા પોસ્ટ મારફતે સીધી પહોંચાડવામાં આવે છે. જો કે મોટાભાગના લાભાર્થીઓને હજીયે પ્રમાણપત્ર-ટૂલકીટ ન મળ્યાનું જાણવા મળે છે. કેન્દ્રમાંથી કેટલા લાભાર્થીઓને પોસ્ટ મારફતે આ બંને ચીજ મોકલવામાં આવી તેનો કોઇપણ જાતનો ડેટા જિલ્લાના નિયત વિભાગને મોકલવામાં આવતો ન હોવાનું જાણવા મળે છે.


૧ ઓકટો.ર૦ર૪ સુધી લીડ બેંકે ૮૦૦ લાભાર્થીઓ પૈકી ૬.૪૦ કરોડ લોન ચૂકવી

યોજના હેઠળ તાલીમ સહિતની પ્રકિયા પૂર્ણ કરનાર લાભાર્થીને પ્રથમ તબકકામાં ૧ લાખની લોન આપવામાં આવે છે. લોન અંગે જિલ્લા લીડ બેંક દ્વારા નિર્ણય લેવાય છે. જેના સૂત્રો પાસેથી મળેલ વિગતનુસાર ૧ ઓકટો.ર૦ર૪ સુધીમાં લોન માટે કુલ ૮૦૦ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જે પૈકી ૬.૪૦ કરોડ લોન ચૂકવવામાં આવી છે.ઓકટોબર બાદના ૬ માસ સુધીમાં કેટલી અરજી મળી અને કેટલી લોન ફાળવાઇ તે અંગેની જાણકારી પણ લીડ બેંકને કેન્દ્રના નિયત વિભાગ દ્વારા પહોંચાડવામાં ન આવ્યાનું જોવા મળે છે.

યોજના સફળનો દેખાડો કરવા આંકડાઓની માયાજાળ

કોઇપણ સરકારી યોજનાની સફળતા દેખાડવા જિલ્લા તંત્ર દ્વારા આંકડાની માયાજાળ રચવામાં આવતી હોવાનું અવારનવાર જોવા મળતું હોય છે. વિશ્વકર્મા યોજનામાં તંત્રના ચોપડે કુલ રજીસ્ટ્રેશન ૧૬ર૬૦ બતાવવામાં આવે છે. જેમાં સૌથી વધુ દરજી વ્યવસાય માટે ૬૪૦૪, સુથારીમાં ૩૮૮૮,નાઇ ૧૩૭૭ વગેરેનો સમાવેશ થાય છે. જે પૈકી બેઝીક ટ્રેનિંગ ૧૦૯૭૮ અને ટૂલકીટ-પ્રમાણપત્ર માટે ૭૮પપ પસંદ થયાનું દર્શાવાયું છે. પરંતુ ખરેખર કેટલાક લાભાર્થીઓને ટુલકીટ-પ્રમાણપત્ર પોસ્ટ મારફતે પહોંચ્યા તેનો આંકડો જ જિલ્લાના તંત્ર પાસે નથી. બીજી તરફ તાલીમ સહિતની પ્રકિયા પૂરી કરનાર અનેકો લાભાર્થીઓ પ્રમાણપત્ર-ટૂલકીટ માટે વિવિધ કચેરીઓના ધરમધકકા ખાઇ રહ્યા છે.

ગ્રામ્ય લાભાર્થીની અરજી સરપંચ-તલાટી અને શહેરી માટે પાલિકા-મનપાની ભલામણ

પીએમ વિશ્વકર્મા યોજના માટે ગ્રામ્ય સ્તરના લાભાર્થીની અરજીની સરપંચ,તલાટી સ્ક્રુટીની કરે છે જયારે શહેરી વિસ્તારોમાં પાલિકા-મનપા સ્ક્રુટીની કરીને યોગ્ય અરજીને મંજૂર કરવા ભલામણ કરે છે. ત્યારબાદ જિલ્લા અમલીકરણ સમિતિ પાસે અરજીઓ ઓનાઇન પહોંચે છે. જેમાંથી નિયમોનુસારની અરજીઓ મંજૂર, નામંજૂર કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાય છે. જયાંથી નિયત અરજીઓને ત્રીજા તબકકા માટે રાજયમાં ઓનલાઇન પ્રકિયાથી મોકલવામાં આવે છે.

યોજનામાં સમાવિષ્ટ વ્યવસાયો

લાકડા આધારિત -સુથાર, બોટ-નાવડી બનાવનાર, લોખંડ-ધાતુ-પથ્થર આધારિત -પરંપરાગત શસ્ત્રો, લુહાર, હથોડી, ટૂલકીટ, તાળાં, મૂર્તિકાર-શિલ્પકાર, સોના-ચાંદી આધારિત -સોની માટી આધારિત -કુંભાર ચર્મ આધારિત મોચી,પગરખાં બનાવનાર, સ્થાપત્ય-બાંધકામ હસ્તકલા કારીગરો, કડીયા, અન્ય વ્યવસાયો સાવરણી-સાદડી , પરંપરાગત રમકડાં, વાળંદ, માળી, ધોબી








Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement