આણંદના જોળ ગામે નિવૃત શિક્ષકની જમીન પર બળજબરીથી કબજો, કલેક્ટરનો પગલાંનો આદેશ
આણંદ તાલુકાના જોળની સોનારી કુઇમાં ૮ વર્ષ અગાઉ ખેતીની જમીન વેચાણ રાખનાર નિવૃત શિક્ષકને પાસેના ખેતર માલિકોએ ધમકી આપીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ અંગે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી. જેમાં સ્થળ તપાસ સહિતની પ્રકિયા બાદ કલેકટર દ્વારા ગેરકાયદે કબજો જમાવનાર બે ઇસમો સામે ફરિયાદ નોંધાવવા હૂકમ કરાયો હતો. જેથી મૂળ જમીન માલિક નિવૃત શિક્ષકે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતોમાં વિદ્યાનગરમાં રહેતા નિવૃત શિક્ષક ગીરીશચંદ્ર મુળજીભાઇ પટેલે ગત તા. પ નવે.ર૦૧૭ના રોજ જોળ ગામની સોનારી કુઇ સીમમાં ખેતીની જમીન સલમાબેન ઇસામમીંયા કાજી પાસેથી રૂ.૧.પ૦ લાખમાં વેચાણ રાખી હતી. નિયમોનુસાર જંત્રી પ્રમાણે રજી. વેચાણ દસ્તાવેજ માટે સ્ટેમ્પ રજી.ફીની પણ ચૂકવણી કરી હતી. જેના આધારે આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં તા. ર૩ નવે.ર૦૧૭ના રોજ તેમના નામે રજી.વેચાણ દસ્તાવેજ થયો હતો.
ડિસે.ર૦૧૭માં વેચાણ રાખેલ જમીનમાં આવેલા ઝાડ જોવા અને જમીન ખેડવા માટે ગયેલ ગીરીશચંદ્ર પટેલને પાસેની જમીનવાળા વિજયભાઇ પ્રભાતભાઇ પરમાર અને પ્રવિણભાઇ પ્રભાતભાઇ પરમારે (રહે.સોનારી કુઇ)એ કહયું હતું કે, આ જમીન અમારા બાપદાદાએ જમીનના મૂળ માલિકો પાસેથી વર્ષો પહેલાં વેચાણ બાનાખત કરીને રાખી હતી. આથી ગીરીશચંદ્રએ આધારપુરાવા રજૂ કરવાનું કહેતા બંનેએ તે રજૂ કર્યા ન હતા અને ધમકી આપી હતી કે, હવેથી આ જમીનમાં પગ મૂકશો તો જોવા જેવી થશે. ત્યારબાદ તેઓ ગીરીશચંદ્રને જમીનમાં જવા દેતા ન હતા અને ખેતી કરવા દેતા નહતા. આ મામલે ગત ર૮ ફેબ્રુ.ર૦ર૪ના રોજ આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં ઓનલાઇન અરજીમાં વિજય પરમાર અને પ્રવિણ પરમાર વિરુદ્વ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. ગત તા. ૭ જાન્યુ.ર૦રપમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં વિજય પરમાર અને પ્રવિણ પરમાર વિરુદ્વ ફરિયાદ દાખલ કરવા હૂકમ કરાયો હતો. જેના આધારે તાજેતરમાં ગીરીશચંદ્ર પટેલે બંને વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૂનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.