આણંદ મનપાના કર્મચારીઓએ વેતન-કાયમી બાબતે માંગ સાથે પત્ર આપ્યું
આણંદ મનપામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવા તેમજ નિયમાનુસાર વેતન વધારો કરવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણાં સમય થી દફતરે છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ આણંદ પાલિકામાં વર્ષોથી રોજમદાર તથા હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છીએ,ત્યારે હવે આણંદ મહાપાલિકા નો દરજ્જો મળતા કર્મચારીઓએ વેતન વધારો અને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્ને ઉકેલ લાવવાની માંગ સફાઇ કર્મચારીઓએ પ્રબળ બનાવી છે.
આ અગાઉ આણંદ નગરપાલિકા માં પૂર્વ પાલિકા શાસકો દ્વારા યોગ્યતાના આધારે કર્મચારીઓ ને કાયમી કરવામાં આવે તેવી દરખાસ્ત જેતે સમયે સરકારમાં કરી હતી.પરંતુ ત્રણ માસ પૂર્વે જ આણંદ મહાપાલિકાની ઘોષણા થતા જ કર્મચારીઓની દરખાસ્ત અભરાઇએ ચઢી ગઈ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. આણંદ મનપા જાહેરાત બાદ મનપા દ્વારા નવી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવેલા કર્મચારીને અગાઉ બેવડા લાભો આપવામાં આવ્યા છે. જ્યારે વર્ષોથી ફરજ બજાવતા હંગામી, રોજમદાર કર્મચારીઓ કરતાં વધુ પગાર અને અન્ય લાભો ને લઈ વર્ષો જુના કર્મચારીઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે.
આ સંદર્ભે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા અગાઉના કર્મચારીઓની મનપા સમક્ષ કરેલી પગાર વધારાની માંગ અને રજૂઆતને દફતરે કરવામાં આવી હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.જેને પગલે આજે પુનઃ એક વખત આણંદ મનપા ભવન ખાતે સફાઇ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છેકે, મનપા વહિવટદાર અને જીલ્લા કલેકટર દ્વારા કાયમી સફાઇ કર્મચારીઓ ની ભરતી કરવા સરકાર માં રજૂઆત પણ કરવામાં આવી છે.