એક હાથે બસ હંકારતો, બીજાથી ફોન પર વાતો – મુસાફરે કરી ઝડપી કાર્યવાહી
આણંદથી તા. ૧૮ એપ્રિલ,ર૦રપને ગુરુવારે સાંજે ૬.૦૮ મિનિટે રાપર તરફની બસ ઉપડી હતી. જે સામરખા ચોકડી થઇને એકસપ્રેસ હાઇવે પહોંચી હતી. બસમાં ર૦થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. એકસપ્રેસ હાઇવે શરુ થતા ડ્રાઇવરે એક હાથમાં સ્ટેયરીંગ અને બીજા હાથે મોબાઇલ પર વાત કરવાનું શરુ કરી દીધું હતું. લગભગ દસેક મિનિટ સુધી ડ્રાઇવર ઓન મોબાઇલ રહીને બસ હંકારતો રહ્યો હતો. નડિયાદ રેલવે બ્રિજ સુધી વાતો ચાલુ રહી હતી. જો કે આ ગંભીર બાબતને ધ્યાને લઇને જાગૃત મુસાફરે મોબાઇલમાં ફોટો કંડારી લીધો હતો.
ચાલુ વાહને મોબાઇલ ફોનથી થતા ગમખ્વાર અકસ્માતોને ટાળવા પરિવહન મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેનું પાલન ન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે. તાજેતરમાં એસ.ટી. બસ, ટ્રક સહિતના વાહનોમાં ડ્રાઇવીંગ સમયે મોબાઇલથી વાત કરતા ડ્રાયવરની ગફલતના કારણે અકસ્માત સર્જાયાનું જાણવા મળે છે. રાજય એસ.ટી.પરિવહન વિભાગ દ્વારા પણ ચાલુ બસે ડ્રાઇવરોને મોબાઇલનો ઉપયોગ કરવાની તાકિદ કરવામાં આવી છે. છતાંયે મુસાફરો ભરેલી બસ હંકારતા અનેક બસ ડ્રાઇવરો નિયમનો છેદ ઉડાડી રહ્યા છે. જેમાં વધુ એક કિસ્સો જોવા મળ્યો છે.