કઠલાલ નજીક ગંભીર અકસ્માત: ડમ્પર અડફેટે બે પિતરાઈ ભાઈઓનું કરૂણ મોત
કઠલાલ તાલુકાના લાડવેલ પાસે રોડની સાઈડમાં બાઈક પર ઊભા રહેલા બે પિતરાઈ ભાઈઓને ડમ્પરે અડફેટે લેતાં બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો એક જ કુટુંબના બે વ્યક્તિઓના અકસ્માતમાં મોતને લઈ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના લાડવેલ ગામે રહેતા બે પિતરાઈ ભાઈ દિનેશભાઇ વજાભાઈ પરમાર (ઉ.વ.૪૮) અને જગદીશભાઈ વાઘાભાઈ પરમાર (ઉ.વ.૩૩) બંને આજે શુક્રવારે બપોરે મોટરસાયકલ લઈને લાડવેલ ચોકડીથી ઓવરબ્રિજની બાજુમાં કપડવંજ તરફના સર્વિસ રોડ પર રોડની સાઈડમાં વાહન ઊભુ કરી ઊભા હતા. આ દરમિયાન પુરપાટે આવી રહેલ ડમ્પરે આ બંનેને અને મોટરસાયકલને અડફેટે લીધા હતા. જેથી દિનેશભાઇ અને જગદીશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ડમ્પર ચાલકે વાહન નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અકસ્માત સંદર્ભેની જાણ મરનારના કાકા અમરસિંહ પરમારને કરવામાં આવી હતી. બંનેના મૃતદેહને કઠલાલ સરકારી દવાખાનામાં પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. આ બનાવ મામલે અમરસિંહ પરમારે ડમ્પર ચાલક સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.