બોરસદના પ્લોટ પર 6 મહિનાથી સુરતની એનસીસી કંપનીના કોન્ટ્રાક્ટરનો કબજો
આણંદ : બોરસદ શહેરમાં પામોલ રોડ ઉપર પાલિકાની માલિકીના ચગડોળ ગ્રાઉન્ડની જમીનમાં સરકારી કામ કરતાં સુરતની એનસીસી કંપનીના કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ પટેલે છ મહિનાથી ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનું અને જમીનમાં બાંધકામ પણ કર્યું હોવાના આક્ષેપ સાથેની રજૂઆત પાલિકામાં કરાઈ છે. ત્યારે નવરાત્રિના ૯ દિવસ દરમિયાન ૩ લાખ જેટલું ભાડુ વસૂલતા પાલિકા તંત્રએ માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી રૂા. ૨૯ હજાર જેટલું જ ભાડું ભરવા જણાવ્યું છે.
અરજદારે આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, બોરસદ પાલિકા દ્વારા રાઠોડ ચોકડી પાસે આવેલા ગ્રાઉન્ડમાં નવરાત્રિના માત્ર ૯ દિવસ માટે ગરબા મંડળ પાસેથી રૂા. ૩ લાખનું માતબર ભાડું વસૂલ કરવામાં આવે છે. જ્યારે બોરસદ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા સર્વે બાદ જે વિસ્તારમાં ગટરલાઈન ન હોય તે વિસ્તારમાં સુરતની એનસીસી કંપનીને રૂા. ૧૬ કરોડના ખર્ચે ગટરલાઈન નાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે બોરસદ શહેરમાં પામોલ રોડ ઉપર પાલિકાની માલિકીના ચગડોળ ગ્રાઉન્ડની જમીનમાં છ મહિનાથી આ કંપનીના કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ પટેલે કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાની જમીનમાં રેતીના મોટા ઢગલાં ખડકી દેવાયા છે. ઉપરાંત પતરાનો સ્ટોરરૂમ, ચાર શૌચાલયો બનાવી ગેરકાયદે બાંધકામ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી ભાડું કેમ લેવાતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગણતરી કરી કોન્ટ્રાક્ટર પાસેથી ભાડું વસૂલાય, ગેરકાયદે બાંધકામ દૂર કરાય અથવા પાલિકા દ્વારા કબજો ખાલી કરાવાય તેવી માંગણી ઉઠી છે. બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ પટેલને નોટિસ આપવામાં આવેલી છે, રૂપિયા ૨૯,૦૦૦ જેટલું ભાડું ભરી જવા પણ જણાવવામાં આવ્યું છે.