ચરોતરમાં ચબૂતરાં વિસરાયા, પંખીઓ માટેની પરંપરાગત સહાય હવે ઘરો સુધી સીમિત
ચરોતરના અનેક ગામોના પાદરે આજે પણ ધોમધખતા ઉનાળામાં રાહદારીઓ માટે ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી પરબો જોવા મળે છે. જો કે બદલાતા સમયની સાથે અનેક પરબોએ માટલાના બદલે ઠંડા પાણીના જગ મૂકવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં પંખી માત્રની ચિંતા કરતા સેવાભાવી વ્યકિત, સંસ્થાઓ દ્વારા પંખીઓ માટે માળા, પાણીના કુંડા, ચણ સહિતનું વિતરણ કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં પંખીપ્રેમીઓ લાભ પણ લઇ રહ્યા છે.
પરંતુ વર્ષો અગાઉ પંખીઓના દાણા-પાણીની સુવિધા અર્થ આણંદ, ખેડા જિલ્લાના અનેકો ગામોમાં ચબૂતરા જોવા મળતા હતા. જેમાં દરરોજ સવારે આસપાસના સ્થાનિકો પંખીઓના ચણ અને કુંડામંાં પાણી ભરવાની નિયમિતતા જાળવતા હતા. વહેલી સવારે ચબૂતરામાં આવતા પંખીઓના કલશોરથી આસપાસનું વાતાવરણ નૈસગિક બનતું હતું. જો કે વધતા જતા શહેરીકરણ અને મોબાઇલના યુગમાં સૌથી વધુ અસર અબોલ પંખીઓને થઇ રહી છે. અગાઉ શેરી-મહોલ્લા વચ્ચે આવેલ ચબુતરાની સૌકોઇ જાળવણી રાખતું હતું. પરંતુ મોટાભાગના લોકો શહેરોમાં કે અન્ય સ્થળે સ્થાયી થઇ જતા ચબૂતરાની દેખભાળ કરનાર જાણે કે કોઇ ન રહ્યું. આ ઉપરાંત રોડ,રસ્તા, બાંધકામ સહિતના કારણે વૃક્ષો કપાતા જતા હોવાથી પંખીઓને પણ અન્ય સ્થળોએ હિજરત કરવાની જાણે કે ફરજ પડી હતી.
છેલ્લા કેટલાક સમયથી ચરોતરમાં ઉનાળામાં પંખીઓને ચણ, પાણી માટેની વ્યવસ્થા કરવા માટે સેવાભાવી વ્યકિત, સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને શહેરીજનોએ આવકારીને પોતાના ઘર, આંગણમાં પંખી માટે પાણી ભરેલ કુંડુ, પાત્રમાં ચણ ભરતા થયા છે. પરંતુ નજીકના વિસ્તારમાં આવેલા ચબૂતરાએ જઇને દાણા,પાણી નાંખવાનું જાણે કે આજની ભાગદોડભરી જીંદગીમાં વિસરાઇ રહ્યું છે. જેના કારણે કિશોર અને યુવા પેઢી પણ ચબૂતરાના અસ્તિત્વથી વિમુખ થઇને ઘરઆંગણે માળા, પાણીના કુંડા લટકાવવા સુધી સીમિત બની છે.જો કે કેટલાક સ્થળોેએ દાતાઓ દ્વારા મોટી સંખ્યામાં પક્ષીઓ રહી શકે તે માટે માળાની વ્યવસ્થા સાથે ચબુતરા બનાવવામાં આવી રહ્યા છે.
ચરોતરમાં ચબૂતરાં વિસરાયા, પંખીઓ માટેની પરંપરાગત સહાય હવે ઘરો સુધી સીમિત
શહેરોમાં વૃક્ષોની ઘટતી જતી સંખ્યાના કારણે પંખીઓ ક્રમશ: અન્ય સ્થળોએ હિજરત કરી રહ્યા છે. ઉપરાંત વધતા જતા મોબાઇલ ટાવરોની હારમાળાના કારણે થતી અસરોથી પંખીઓની સંખ્યા ઘટી રહી છે. ચરોતરમાં અનેક શહેરોમાં આજે પણ મસમોટા વૃક્ષો સહિતની લીલોતરી જોવા મળે છે. જેમાં વસતા પંખીઓને ઉનાળાની ગરમીમાં પાણી,ચણ માટે સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવતી હોય છે. જેમાં અનેક સ્થળોએ વિનામૂલ્યે માળા, પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ જાહેર કરાતો હોય છે. જેનો લાભ લેનારાઓની સંખ્યા પણ આવકારદાયક જોવા મળી રહી છે. જેથી આજે ચરોતરના શહેરોની અનેક સોસાયટીઓમાં પંખીઓને સુરિક્ષત માળા, દાણા-પાણીની રહિશો દ્વારા કરાતી વ્યવસ્થા જોવા મળે છે. જેમાં નિરાંતવે રહેતા પંખીઓનો કલરવ આસપાસના વાતાવરણને જીવંત બનાવે છે.