મહેસૂલી કર્મચારીઓના CLથી કામકાજ ઠપ્પ, અરજદારો મુશ્કેલીમાં
રાજયમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ છેલ્લા દસ વર્ષથી નહી સંતોષાતા આજે ૩૦ એપ્રિલે માસ સીએલ પર ઉતર્યા હતા. જેમાં આણંદ, ખેડા જિલ્લાના મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેકટર કચેરીના વહીવટી ખાતાની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. માસ સીએલની બાબતથી અજાણ અનેકો અરજદારો આજે પોતાના કામ અર્થ કચેરીઓએ આવ્યા બાદ અટવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહેસૂલી મામલતદારો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને, કલેકટરને આવેદનપત્ર આપીને પડતર માંગણીઓનો સરકાર દ્વારા નિરાકરણ નહીં લવાય તો ૩૦ એપ્રિલે માસ સીએલ અને ત્યારબાદ વિરોધ કાર્યક્રમનું આયોજન કરાશેની ચીમકી આપી હતી.
આણંદમાં શાસ્ત્રી બાગ ખાતે મહેસૂલી મામલતદારોએ એકત્ર થઇને પડતર માંગણીઓ સંતોષવા સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.નડિયાદમાં પણ માંગણીઓનો સત્વરે નિકાલ નહીં આવે તો આગામી સમયમાં વિરોધ કાર્યક્રમો કરવામાં આવશેની વાત સાથે વિરોધ વ્યકત કર્યો હતો. મહેસૂલી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સિનિયોરીટી યાદી પ્રસિદ્વ કરવા, બઢતી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવામાટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે.ઉપરાંત નાયબ મામલતદારોના મામલતદાર તરીકેના પ્રમોશન અટકેલા છે.