ગુજરાત સ્થાપના દિન પર PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ
આજે ગુજરાતના સ્થાપના દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અનેક મહાનુભવોએ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને કહ્યું ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ… ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના સ્થાપના દિવસ પર ગુજરાતની જનતાને અભિનંદ પાઠવતા કહ્યું વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ. ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતા થી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને આધુનિક સમય સુધી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રણી યોગદાન આપનારા ગુજરાતના લોકોની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરું છું.
સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે એક સુંદર વીડિયો શેયર કરીને ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી તેમણે લખ્યું કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વિરાસતમાં દરેક ગુજરાતીનું યોગદાન છે. ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનાર નામી-અનામી સૌ ગરવી ગુજરાતીઓના સ્મરણનો આ દિવસ છે. આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035 માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025 થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડમેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જનઉત્સવ બનવાનો છે. માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. હવે, તેઓશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો આપણો નિર્ધાર છે. સૌ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ અને જનચેતનાથી આપણે ગુજરાતને વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશું. જય જય ગરવી ગુજરાત.
આ સાથે સીએમ ભૂપેન્દ્દભાઇ પટેલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો , તેમણે કહ્યું કે આપના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને વિરાસતને સાથે રાખીને તેમજ આપે આપેલા નવ સંકલ્પોને સમાજજીવનમાં ઉતારીને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનો પણ આભાર માન્યો અને કહ્યું કે માનનીય વડાપ્રધાન તથા આપના ઊર્જામય માર્ગદર્શનનો અત્યાધિક લાભ ગુજરાતને પ્રાપ્ત થયો છે. આપની પ્રેરણા અને પ્રોત્સાહનથી ગુજરાત જનસેવા અને વિકાસની ધારાને અહર્નિશ આગળ વધારતું રહેશે.