આજે ‘ગુજરાત સ્થાપના દિવસ’, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ
ગુજરાત સ્થાપના દિવસ 1 મી મેને ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાત રાજ્યની સ્થાપનાને યાદ કરવા માટે ઉજવાય છે. 64 વર્ષ પહેલાં ગુજરાત સિવાય અન્ય એક રાજ્યનો પણ જન્મ થયો હતો. ભાષાકીય મતભેદોના કારણે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલનના નેતા રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા. અમદાવાદમાં તેમની યાદમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે.
ગુજરાત કયારે અસ્તિત્વમાં આવ્યું
ગુજરાત આઝાદી પહેલા મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકલિત હતું. બંને રાજ્યોનો આઝાદી પહેલા બૃહદ મુંબઇમાં સમાવેશ થયો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર એ સમયના “બૃહદ મુંબઇ” (બૉમ્બે રાજ્ય-Bombay State)નો ભાગ હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ભાષાના આધાર પર બૃહદ મુંબઇને પુનર્ગઠિત કરવાની માંગ વધી હતી. ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓએ પોતાની-પોતાની ભાષાની ઓળખ અને સાંસ્કૃતિક વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને જુદા રાજ્ય માટે આંદોલન શરૂ કર્યું હતું.
બૃહદ મુંબઇમાં વસતા ગુજરાતીલોકોએ મરાઠીઓથી અલગ થવા આંદોલન શરૂ કર્યું હતું જે “મહાગુજરાત ચળવળ” (Mahagujarat Movement) તરીકે ઓળખાય છે, જેને ગુજરાતના અનેક નેતાઓ અને લોકોનું સહકાર મળ્યો. આના પરિણામે, 1 મે, 1960ના રોજ બૉમ્બે રાજ્યમાંથી ગુજરાતીભાષાના લોકો માટે “ગુજરાત રાજ્ય” અને મરાઠીભાષાના લોકો માટે “મહારાષ્ટ્ર રાજ્ય” અલગ કરવામાં આવ્યું.
ગુજરાત ગૌરવ દિવસ
પ્રાચીન સમયમાં હાલનો ગુજરાત વિસ્તાર છે તે આનર્ત દેશ તરીકે ઓળખાતો હતો. ગુજરાતપ્રદેશ પ્રાચીન સમયથી જ વ્યાપારના કેન્દ્ર માટે જાણીતો હતો. ગુજરાતે અનેક રાજાઓ અને નવાબોના શાસન જોયા છે. તેમ છતાં હજુ સુધી ગુજરાતની લોકસંસ્કૃતિ વિસરાઈ નથી. ખાસ કરીને કચ્છની ભરતકલા તેમજ સોમનાથ મંદિર, ગરવો ગઢ ગિરનાર, અંબાજી મંદિર વગેરે જેવા ઐતિહાસિક સ્થળો વિશ્વભરમાં આજે પ્રસિદ્ધ છે. મહત્વનું છે કે ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામા આવે છે. આ દિવસ ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ભાષાકીય ઓળખ માટેના ઉજવણીનો દિવસ પણ માનવામાં આવે છે. ગુજરાત સ્થાપના દિવસ પર રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો, યાત્રાઓ અને સમારંભોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને રાજ્યના વિકાસમાં યોગદાન આપનારાઓને યાદ કરવામાં આવે છે.