આણંદ મનપાની તાબડતોબ કાર્યવાહી: સફાઈ અને આરોગ્ય ઉલ્લંઘન બદલ મનપાએ વસૂલ્યા 5.07 લાખ
આણંદ મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગની ટીમ દ્વારા એપ્રિલ માસ દરમિયાન મનપા વિસ્તારની હોટલ, દુકાનો અને સંસ્થાઓ ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી, જેથી વિવિધ 20 જેટલા એકમો પાસેથી રૂ 5.07 લાખનો વહીવટી ચાર્જ, દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આણંદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એપ્રિલ માસ દરમિયાન આણંદ મનપા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક ચેકિંગ કરતા આ તપાસણી દરમિયાન વિવિધ 11 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી, જેથી નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક હોઈ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ હોટલ રેસ્ટોરન્ટ પાસેથી રૂ.4.12 લાખની વસુલાત વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવી છે.
આ ઉપરાંત આણંદ મનપાની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ એકમો ખાતે એપ્રિલમાં આકસ્મિક ચેકિંગ કરતા વિવિધ 09 એકમો ખાતે મચ્છરની ઉત્પત્તિ માલુમ પડી હતી, જેને કારણે મનપાની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા આવા 09 એકમો પાસે થી રૂ.95200/- નો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો હતો.
આણંદ મનપાના હેલ્થ વિભાગના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર સુધીર પંચાલના જણાવ્યા મુજબ મનપા વિસ્તારમાં ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાતું હશે તો તેઓની સામે કાયદાની જોગવાઈ ને આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આણંદ મનપા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો જરૂરી સ્વચ્છતા રાખે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.