આણંદ મનપા: જૂના ડી.પી. આધારે હવે મળશે બાંધકામ મંજૂરી
આણંદ મનપા બન્યા બાદ ત્રણેય શહેરો અને સમાવિષ્ટ ચાર ગામોના વિકાસ માટે સમયબદ્ઘ, સંપૂર્ણ સરળતા સાથેના આયોજનના બદલે કેટલીક બાબતો ઉતાવળે હાથ ધરવામાં આવી હતી.
જેમાં મુખ્યત્વે મનપા વિસ્તારમાં બાંધકામ મંજૂરી માટેની અસમંજસભરી સ્થિતિ બની હતી. કારણ કે અવકુડા પાસેથી તમામ સત્તા અને ફાઇલો મનપા હસ્તગત કરાયા બાદ ઝડપી નિર્ણયો ન લેવાયાની બાબત અરજદારોમાં ચર્ચિત બની હતી. આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકા વિસ્તારમાં રહેણાંક, કોર્મશિયલ બાંધકામોને સંભવિત મંજૂરીની અપેક્ષાએ અવકુડા દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ મનપા બન્યા બાદ અવકુડા પાસેથી તમામ સત્તા હસ્તગત કરી લેવામાં આવી પરંતુ મંજૂરીની પ્રકિયા સતત-નિયમિત ચાલતી રહે તે બાબતે સત્વરે સ્પષ્ટ નિર્ણય ન લેવાયો. પરિણામે બાંધકામ પરવાનગી, બીયુ અટકી જવાથી અનેકો અરજદારોને નાહકની પરેશાની ભોગવવી પડી.
જો કે મનપા દ્વારા અવકુડામાંથી લવાયેલ બાંધકામ મંજૂરી અંગેની તમામ ૩ર ફાઇલોનો નિકાલ કરાયો છે. જેમાં કેટલીક મંજૂર તો કેટલીકમાં પૂર્તતા બાકી હોવાથી નામંજૂર કરવામાં આવી છે. જે અરજદારો જરુરી પૂર્તતા સાથે પુન: એપ્લાય કરી શકશે. સાથોસાથ અવકુડા દ્વારા અગાઉ તૈયાર કરાયેલ ડેવલપમેન્ટ પ્લાન અનુસાર ટીપી અને નોન ટીપી વિસ્તાર માટે બાંધકામ મંજૂરી આપવાની પ્રકિયા હવે મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. આણંદ ડે.મ્યુનિ. કમિશ્નર નિલાંક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે, અવકુડાના ડીપી અનુસાર શહેરના ટીપી અને નોન ટીપી વિસ્તારમાં બાંધકામ મંજૂરી માટે અરજદાર મનપામાં એપ્લાય કરી શકશે. જેમાં નિયમોનુસારની પ્રકિયા હાથ ધરીને બાંધકામ પરવાનગી (વિકાસ પરવાનગી) આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, મનપા વિસ્તારના નવા ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થઇને અમલી બન્યા બાદ પણ હાલમાં મનપા દ્વારા અપાયેલ મંજૂરીઓને માન્ય ગણવામાં આવશે.
મનપામાં જોડાયેલા ૪ ગામોમાં હાલ કોઇ બાંધકામ મંજૂરી અપાશે નહીં
આણંદ મનપા દ્વારા અવકુડાના અગાઉના ડેવલપમેન્ટ પ્લાન અનુસાર આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાકરોલમાં જ બાંધકામની મંજૂરીનો નિર્ણય લેવાયો છે. પરંતુ મનપામાં સમાવિષ્ટ લાંભવેલ, મોગરી, ગામડી, જિટોડિયાનો જયારે ડેવલપમેન્ટ પ્લાન ફાઇનલ થશે ત્યારે મંજૂરી મળવાની વારો આવશે. જો કે ડીપી કયારે દોરાશે અને સરકાર તેને કેટલી ઝડપથી મંજૂરી આપે છે તે તો રામ જાણે. જેથી મનપામાં જોડાયેલા ચાર ગામોમાં હાલ બાંધકામની કોઇ મંજૂરી મળશે નહીં. જેથી શહેરીનો સાવ નજીકના આ ચાર ગામોની વિકાસ હાલ રુંધાશે.
સરકારના નોટિફિકેશન બાદ ડેવલપમેન્ટ પ્લાન બનાવાશે
અગાઉ અવકુડાની રચના થયા બાદ દસ વર્ષ અગાઉ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં સમગ્રતયા આણંદ,વિદ્યાનગર અને કરમસદ પાલિકા વિસ્તારના વિકાસ સહિતના ઝોનવાઇઝ આયોજનો હાથ ધરીને રાજય સરકારમાં મંજૂરી અર્થ મોકલ્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર ડેવલપમેન્ટ પ્લાનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. હવે આણંદ મનપા વિસ્તાર માટે નવા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા સરકાર નોટિફિકેશન બહાર પાડશે. જેમાં ડી.પી. અવકુડા તૈયાર કરશે કે મનપા દ્વારા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. ત્યારબાદ ડી.પી.બનાવવાની, વાંધા-સૂચનો સ્વીકારવા સહિતની પ્રકિયા હાથ ધરાશે. જેથી ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનના અમલની ગાડી કયારે પાટે ચઢશે તે કહેવું મુશ્કેલ છે.
આણંદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની રચનાની સંભાવના
સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં સમાવિષ્ટ વિસ્તારોના વિકાસ, ભાવિ આયોજનો સહિતની પ્રકિયાના સંચાલન માટે વિશેષ ઓથોરીટી (દા.ત.સુડા, ઔડા)ની રચના કરવામાં આવી છે. ત્યારે આ જ પરિલ-યમાં આણંદ મનપામાં સમાવિષ્ટ વિસ્તારોના વિકાસ સહિતના આયોજનો માટે રાજય સરકાર દ્વારા આણંદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના જાહેર કરશેની સંભાવના પણ વ્યકત થઇ રહી છે.