આણંદ જિલ્લામાં 40%થી વધુ શિક્ષકોની સર્વિસ બુક હજુ પણ અપડેટ વગર
સરકારી નોકરીમાં જોડાનાર પ્રત્યેક કર્મચારીની પહેલા દિવસથી મતલબ કે નિમણૂંક તારીખથી સર્વિસ બુકમાં એન્ટ્રી કરવાનો પ્રારંભ થાય છે. સરકારી કર્મચારી-અધિકારી માટે સર્વિસબુક એ મહત્વનો સરકારી દસ્તાવેજ ગણાય છે. વિવિધ વિભાગોના કર્મચારી-અધિકારીઓની સર્વિસ બુક સંલગj વિભાગ દ્વારા નિયમોનુસાર અપડેટ કરવામાં આવતી હોય છે. પરંતુ આણંદ જિલ્લા પંચાયત હસ્તકની ૯૯૦ સરકારી શાળાઓમાં ફરજ બજાવતા ૬ હજાર પૈકીના ૪૦ ટકા, આશરે રપ૦૦ શિક્ષકોની સર્વિસ બુક છેલ્લા બે,ત્રણ વર્ષથી અપડેટ કરવામાં ન આવ્યાનું જાણવા મળે છે.
આણંદ જિલ્લાના ૮ તાલુકાઓમાં આવેલ સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની સર્વિસ બુક અપડેટેશનની કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે. અગાઉ આણંદ જિલ્લામાં ર૦૧૯થી ર૦ર૧ સુધી સર્વિસ બુક અપડેટ ન થયાનો મામલો ચગડોળે ચડયો હતો. જેમાં તાલુકા પંચાયત કચેરીમાં આવેલ તા.પ્રા.શિ.ની કચેરીના જવાબદાર તા.પ્રા.શિક્ષણાધિકારી સહિતના સ્ટાફ દ્વારા શિક્ષકોને રુબરુ બોલાવી, કેમ્પ યોજવા સહિતના વિકલ્પો હાથ ધરીને કામગીરી નિપટાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં પુન: સર્વિસ બુકની કામગીરી ખોરંભે પડી હતી.
જો કે વિદ્યાર્થીઓને સાચું બોલવા, પોતાના અધિકાર માટે રજૂઆત કરવા સહિતની સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા પૂરી પાડનાર,શિક્ષણ આપનાર શિક્ષકો પૈકી મોટાભાગના પોતાની સર્વિસ બુક સમયસર તૈયાર ન કરનાર તા.પ્રા.શિ. કે સંબંધિત કર્મચારી સમક્ષ રજૂઆત કરવાની હામી ભરવાની તૈયારી દાખવતા ન હોવાનું જોવા મળે છે. પરિણામે તંત્ર પણ હોતા હૈ, ચલતા હૈની નીતિ અપનાવે તે સ્વાભાવિક છે. શિક્ષક તરીકે જોડાયા બાદથી નિવૃતિ સુધીની શિક્ષક તરીકેની કામગીરી સહિતની વિભાગીય બાબતોની સર્વિસ બુકમાં નિયમોનુસાર સમયસર નોંધ કરવાની હોય છે. શિક્ષકના ઉચ્ચત્તમ પગાર ધોરણ માટે સર્વિસ બુક લોકલ ફંડ વિભાગ, ગાંધીનગર મોકલવામાં આવે છે. જે ધ્યાને લઇને લોકલ ફંડ વિભાગ દ્વારા પગાર ધોરણ મંજૂર કે નામંજૂરનો નિર્ણય લેવામાં આવતો હોય છે.ઉપરાંત શિક્ષક નિવૃત થાય ત્યારે તેની સર્વિસ બુક ઉપરથી પેન્શન કેસ તૈયાર થાય છે. જેથી નિવૃતિને થોડો સમય બાકી હોય ત્યારે પોતાની સર્વિસ બુક અપડેટ કરાવવા અનેક શિક્ષકો તાલુકા કચેરીએ આંટાફેરા કરવા મજબૂર પણ બનતા હોય છે. આ કડવી વાસ્તવિકતાથી તાલુકા-જિલ્લાના પદાધિકારીઓ વાકેફ હોવા છતાંયે સર્વિસ બુક અપડેશનમાં થતા વિલંબને ખાળવા નકકર આયોજન કરવામાં આવતું નથી. પરિણામે સર્વિસ બુક ઝડપથી તૈયાર કરવા માટે આર્થિક લેવડદેવડનો ભ્રષ્ટાચાર પણ પાંગરતો હોવાની વાત તપાસનો વિષય છે. ઉપરાંત કર્મચારીની સેવાકીય બાબતોની નોંધ સર્વિસ બુકમાં કરવાની જવાબદારી પણ તાલુકા કચેરીની હોવા છતાંયે તે નિભાવતી ન હોવાની બાબત શિક્ષણગણમાં ચર્ચિત છે.
કેટલા તાલુકામાં સર્વિસ બુક અપડેશન પૂર્ણ, અન્યમાં કામગીરી ચાલુ હોવાનું ટી.પી.ઓ.નું કથન પણ વાસ્તવિકતા ‘ઉપરવાળો’ જાણે !
ઉમરેઠ,આંકલાવ,તારાપુર, ખંભાત અને બોરસદ તાલુકામાં સરકારી શાળાઓના શિક્ષકોની સર્વિસ બુકની અપડેશન કામગીરી પૂર્ણ થઇ ગયાનું ટીપોઓ દ્વારા જણાવાયું હતું. પરંતુ હજી અનેક શિક્ષકોની સર્વિસ બુકની કામગીરી બાકી હોવાની સંભાવના વચ્ચે વાસ્તવિક સ્થિતિ અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાસે પણ વિગતો ઉપલબ્ધ ન હોવાનું જોવા મળે છે. જયારે આણંદ તાલુકાના શિક્ષકોની સર્વિસ બુકની કામગીરી માટે તાજેતરમાં વઘાસી ખાતે કેમ્પ યોજાયો હતો. જાણવા મળ્યાનુસાર ૧૦ દિવસીય કેમ્પ દરમ્યાન કેટલાક શિક્ષકોને શાળામાં ચાલુ પરીક્ષાએ બોલાવવામાં આવ્યાનો ગણગણાટ થયો હતો. તાલુકાના બધા શિક્ષકોની સર્વિસ બુક થઇ ગયાનું આણંદ ટીપીઓએ જણાવ્યું હતું. જયારે સોજીત્રા, પેટલાદમાં કામગીરી ચાલુ હોવાનું ટીપીઓએ જણાવ્યુ હતું.
અગાઉ શિક્ષકોના ઉચ્ચતર પગારધોરણની બે કરોડની ગ્રાન્ટ લેપ્સ થઇ હતી
સર્વિસ બુકમાં શિક્ષકોની અપડેશન થયેલ વિગતોના આધારે તેઓને ઉચ્ચતમ પગાર ધોરણ સહિતની ચૂકવણી કરવાનો નિર્ણય ગાંધીનગર કચેરીએથી લેવાતો હોય છે. જો કે રાજય કચેરીમાં તમામ શિક્ષકોની નિયુકિત સહિતની વિગતો ઉપલબ્ધ હોય છે પરંતુ જિલ્લા-તાલુકાકક્ષાએથી સર્વિસ બુક ચકાસ્યા બાદ જ અમલવારીનો નિર્ણય કરાતો હોય છે. અગાઉ એક તાલુકામાં શિક્ષકોના ઉચ્ચત્તમ પગાર ધોરણ માટેની ફાળવાયેલ ર કરોડની ગ્રાન્ટ લેપ્સ થઇ હતી. જેની પાછળ સર્વિસ બુક અપડેટ ન હોવાનું મુખ્ય કારણ હોવાનો લાભાર્થી શિક્ષકોએ ગણગણાટ કર્યો હતો. પરંતુ સાચી વાત અંગે જિલ્લા-રાજયસ્તરે કોઇ લેખિત રજૂઆત પહોંચી ન હોવાનું પણ જાણવા મળે છે.
સર્વિસ બુક અપડેટ ન હોય તો જમા રજાનો તાળો ન મળે, વહેવારની ‘બારી’ ખૂલવાની વકી
શિક્ષકે બિમારી, સામાજીક કે વિદેશ પ્રવાસ સહિતના કારણોસર રજા મંજૂરી મેળવવાની હોય છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોએ રજા મેળવવા ઓનલાઇન પ્રકિયાને અનુસરવાનું રાજય સરકાર દ્વારા ફરજિયાત કરાયું છે. અગાઉના સમયમાં રજા ચિઠ્ઠી મૂકીને શિક્ષકો રજા ભોગવતા હતા. જેની સમયસર સર્વિસ બુક અપડેટ કરવા સમયે રજાઓનીનોંધ કરાતી હતી. પરંતુ લાંબા સમય સુધી સર્વિસ બુક અપડેટ કરાતી ન હોવાના સંજોગોમાં રજાઓનો તાળો મળતો નથી. પરિણામે અગાઉની રજાઓની સર્વિસ બુકમાં નોંધ ન થાય તે માટે આર્થિક વ્યવહાર પણ થતા હોવાનું અસ્વાભાવિક નથી.
સર્વિસ બુક નોકરી દરમ્યાનની કર્મચારીએ કરેલ કામગીરીની પારાશીશી
સર્વિસ બુકમાં શિક્ષક નોકરીએ જોડાય ત્યારે નિમણૂંકની તારીખથી એન્ટ્રી, પગાર અને સમયાંતરે મળતા ઇજાફાની નોંધ, શિક્ષકે લીધેલ માન્ય કે કપાત પગારી રજા, નોકરી દરમ્યાન શૈક્ષણિક કે અન્ય કૌશલ્ય બદલ મેળવેલ પુરસ્કાર, કોઇ ક્ષતિ બદલ થયેલ શિક્ષાત્મક કાર્યવાહી સહિતની બાબતો સર્વિસ બુકમાં નોંધવામાં આવે છે. સર્વિસ બુકને નિયમોનુસાર અપડેટ રાખવાની તાલુકા તંત્રની જવાબદારી છે. અપડેશન થયેલ સર્વિસ બુકના કારણે નિવૃત થતા શિક્ષકના પેન્શન કેસમાં વિલંબ થતો નથી.
સર્વિસ બુક અપડેશનની બાકી કામગીરી અંગે રજૂઆત કરી છે : રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘ
આણંદ જિલ્લા રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘના અધ્યક્ષ નરેન્દ્રસિંહ મહીડાએ જણાવ્યુ ંહતું કે, સર્વિસ બુકની કામગીરી નિયમોનુસાર, સમયસર પૂર્ણ થાય તે શિક્ષકો માટે હિતાવહ છે. સર્વિસ અપડેશનની બાકી કામગીરી અંગે સંગઠનના માધ્યમથી જિ.પ્રા.શિક્ષણાધિકારી અને તાલુકા પ્રા.શિ.ને કાર્યવાહી કરવા લાગણીસહ માગણી કરેલ છે.
અપડેટ ન કરાયેલ સર્વિસ બુક અંગે જિ.પ્રા.શિ.નું ધ્યાન દોરીશું : જિ.પ્રા.શિ.સંઘ
આણંદ જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યુ ંહતું કે, અપડેટ ન થયેલ સર્વિસ બુક અંગે અમે આગામી સમયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ધ્યાન દોરીશું. વધુમાં જણાવ્યું હતું કે, તાલુકા કચેરીઓમાં જરુરી કલાર્ક સહિત સ્ટાફની ઘટ હોવાથી વિભાગની કામગીરી વિલંબિત થઇ રહી છે. અનેક પે સેન્ટરોમાં સંલગj શાળાના શિક્ષકો એકત્ર થઇને સર્વિસ બુક અપડેશનની કામગીરીમાં જોડાયેલા છે.