આણંદ : અમીન મંજીલ પાસે મુખ્ય રેલ લાઇન પર પાટા બેસાડયા, અન્ડરપાસનું કામ શરુ કરાશે
આણંદમાં રેલ્વે સ્ટેશન નજીક અમીના મંજીલથી ખાટકીવાડ તરફ જવાના રસ્તે આવેલ રેલવે ફાટક નં. ર૬૦ની જગ્યાએ અન્ડર પાસ (ગરનાળું) બનાવવાની કામગીરીનું ગત ર૬ ફેબ્રુ.ર૦ર૪ના રોજ ઇ-લોકાર્પણ કરાયું હતું. થોડો સમય ઝડપભેર ચાલેલ કામગીરી છેલ્લા કેટલાક સમયથી અટકી પડી હતી.
દરમ્યાન આજે રેલ વિભાગની મશીનરી સહિતની ટીમ દ્વારા અન્ડરપાસની ઉપર વડોદરાથી અમદાવાદ તરફની રેલ લાઇનના પાટાને ગડરો ઉપર ફીટ કરાયા હતા. આવતીકાલે અન્ય લાઇનના પાટા ફીટ કરાશે. જેથી આગામી દિવસોમાં અન્ડર પાસ માટે ખોદકામ સહિતની કામગીરી શરુ કરાશે. રેલ સૂત્રોનુસાર જતી-આવતી ટ્રેનોની સુગમતા માટે વિભાગની ખાસ મશીનરી અને નિષ્ણાંતો દ્વારા લેવલ સેટ કરીને પાટા બેસાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાલેજ ફાટક બંધ હોય ત્યારે વાહનચાલકોને રાહ જોતા ઉભા રહેવામાં સમયના વ્યય સાથે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. પ મીટર પહોળું અને રપ૦ મીટર, સી આકારનો અન્ડર પાસ તૈયાર થયા બાદ ખાટકીવાડથી ઇસ્માઇલનગર, નુતનનગર તરફના રહિશોને અવરજવરમાં રાહત રહેશે.