આણંદ: હોટલ એકતા અને નિશાંત રેસ્ટોરન્ટમાંથી વાસી ખાવાનું ઝડપાયું, તાત્કાલિક સીલ
આણંદ મનપાની આરોગ્ય ટીમ દ્વારા આજે પુન: હોટલો, રેસ્ટોરન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેકટર સહિતની ટીમે શહેરની સામરખા ચોકડીએ આવેલ હોટલ એકતા અને રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ નિશાંત રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બંને સ્થળોએ જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ખાસ કરીને સ્વચ્છતાના અભાવ સાથે વાસી ફુગવાળું ખાવાનું, અખાદ્ય પદાર્થો, સડી ગયેલા બટાકા અને ખાદ્ય પદાર્થો ખુલ્લામાં જોવા મળ્યા હતા. મનપાની ટીમ દ્વારા હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરુરી તપાસણી કરતા હાઇજીન બિલકુલ ન હોવાનું અને લોકોના આરોગ્યને જોખમરુપ હોઇ તાત્કાલિક અસરથી હોટલને જીપીએમસીની કલમ ૩૭૬-એ અંતર્ગત સીલ કરવામાં આવી હતી.