બાકરોલમાં ગટર કામ બાદ પૂરાણ બેસ્યું: રસ્તા પર જોખમભર્યા ખાડાઓ
બાકરોલમાં રામપુરા રોડ પરની સોસાયટી વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી માટે ખોદકામ કરાયું હતું. જેમાં પુરાણ કરાયેલ માટી બેસી જવાના કારણે માર્ગ પ જોખમી ખાડા સર્જાયા છે. જેના કારણે આ વિસ્તારની રાધે રેસીડેન્સી, રામા ફલેટ સહિતના ૧૫૦થી વધુ પરિવારજનોને સામાન્ય અવરજવર કરવી મુશ્કેલ બની છે.
આ અંગે રાધે રેસીડેન્સીના રહિશો દ્વારા મનપાને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, સોસાયટીઓની અવરજવરના મુખ્ય રસ્તા પર ગટરના કામકાજ માટે રોડ તોડવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગટરનું કામકાજ બંધ હાતલમાં છે. સાથોસાથ રોડ પરનું ખોદકામ પણ અધૂરું રાખેલ છે. જયારે જે વિસ્તારમાં ગટરની પાઇપો નાંખી છે ત્યાં માટીથી પુરાણ કર્યુ હતું. જે માટી બેસી જવાના કારણે જોખમી ખાડા પડી ગયા છે. રાત્રિના સમયે અવરજવર કરવી જોખમી બની છે. આગામી ચોમાસાની ઋતુમાં આ સમસ્યા વધુ ગંભીર બને તેમ હોવાથી કોઇ અકસ્માત કે ઘટના સર્જાય તે અગાઉ રોડની મરામત કરવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગટરલાઇનની અધૂરી કામગીરી અને માટી બેસી જવાથી પડેલા ખાડાઓના કારણે દિવસે પણ રસ્તા પરથી ચાલતા પસાર થવામાં ભારે સાવધાની રાખવી પડી રહી છે. જેથી સોસાયટીઓના રહિશોને ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇને પસાર થવામાં ભારે અગવડતા વેઠવા સાથે અકસ્માતની ભીતિ રહ્યા કરે છે.