લીંગડા-ભાલેજ રસ્તે ડિવાઇડર તોડવાનું કામ જામ સર્જી રહ્યું છે, વાહનચાલકોને જોખમ
આણંદ જિલ્લામાં વિકાસ યોજના અંતર્ગત અનેક સ્થળોએ રોડ પહોળા બનાવવા, નવીનનું કામકાજ થઇ રહ્યું છે. પરંતુ નાના, મોટા વાહનોની અવરજવરવાળા માર્ગોએ સલામતી સહિત અડચણ ન થાય તે રીતે કામ હાથ ધરાય તે જરુરી છે. જો કે ઉમરેઠ તાલુકાના લીંગડાથી ભાલેજને જોડતા માર્ગ પર આવેલા ડિવાઇડરને તોડવાની તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરી અહીંથી પસાર થતા નાના, મોટા વાહનચાલકો માટે પરેશાનીરુપ બની રહ્યાની ફરિયાદ થવા પામી છે.
લીંગડાથી ભાલેજ થઇને આણંદને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્મારહાલતમાં ફેરવાયો છે. લીંગડાથી ઉમરેઠને જોડતા માર્ગની કામગીરી ધીમી ગતિએ થઇ રહી હોવાથી અવરજવરમાં વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. આ સમસ્યામાં હવે લીંગડા-ભાલેજ માર્ગ પર ડિવાઇડર તોડવાની અણઘડ નીતિ મુશ્કેલીમાં વધારો કરનારી સાબિત થઇ રહી છે. તેમાંયે નિયમોનુસાર ડાયવર્ઝન આપ્યા વિના જ કરાતી જોખમી કામગીરી વચ્ચેથી વાહનચાલકો પસાર થઇ રહ્યાનું જોવા મળે છે. આ માર્ગથી રોજીંદા અવરજવર કરતા વાહનચાલકોના મતે જેસીબીની મદદથી ડિવાઇડર તોડયા બાદ તેના કાટમાળને બકેટમાં ભરીને યોગ્ય રીતે નિકાલ કરવાની સીસ્ટમ હોય છે. પરંતુ અહીં જેસીબીના બકેટથી ડિવાઇડર તોડયા બાદ તેના કાટમાળનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે બકેટથી ઢસેડીને સાઇડમાં ફેકવામાં આવી હ્યો છે. જેના કારણે આખા માર્ગ પર કાટમાળ અને ધૂળ ફેલાયેલા રહે છે.
વધુમાં આ કામગીરી દરમ્યાન તંત્ર દ્વારા એક તરફેનો રસ્તો બંધ કરાયો નથી. જેથી વાહનોની સતત અવરજવર થવાથી ધૂળ વધુ ઉડી રહી છે. જેના કારણે ખાસ કરીને ટુવ્હીલર ચાલકોને ધૂળ અને કાંકરા ઉડવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે અકસ્માત સર્જાવવાની ભીતિ પણ વ્યકત થઇ રહી છે. આ કામગીરી સાથે સંકળાયેલ એન્જિનીયર સહિતની ટીમને વાહનચાલકોને પરેશાની ધ્યાને આવી હોવા છતાંયે અવરજવર માટે માર્ગ ચોખ્ખો રાખવાની સત્વરે કામગીરી કરવામાં ન આવી રહ્યાનું જોવા મળે છે.
એન્જિનીયરને સૂચના આપીને ઘૂળ-કાટમાળ હટાવી દેવાશે : માર્ગ-મકાન વિભાગ
આણંદ માર્ગ મકાન વિભાગના ડે.એકિઝ. પટેલે જણાવ્યું હતું કે, રોડ સંબંધિત કામગીરી ચાલતી હોય ત્યારે કયારેક અગવડતા થઇ શકે છે. લીંગડા-ભાલેજ માર્ગ પર ડિવાઇડર તોડવાની કામગીરી મામલે એન્જિનીયરને સૂચના આપીને ધૂળ તેમજ કાટમાળને હટાવીને રસ્તો સત્વરે ચોખ્ખો કરાવવાની કામગીરી કરવામાં આવશે.