આણંદ કૃષિ યુનિ.માં સિક્યોરીટી કોન્ટ્રાક્ટના કૌભાંડમાં, વિજીલન્સની તપાસ શરૂ
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા નાણાકીય વર્ષમાં રૂપિયા 13.5 કરોડના સિક્યોરીટી કોન્ટ્રાક્ટ નિયમો નેવે મૂકી બારોબાર મળતિયાને પધરાવવાનો વિવાદ સર્જાયો હતો. આ અંગેની સેન્ટ્રલ વિજીલન્સ અને ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંતર્ગત વિજીલન્સની ટીમ દ્વારા શુક્રવારે તપાસ કરવામાં આવતા યુનિવર્સિટી સંકુલમાં દોડધામ મચી ગઈ હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રૂપિયા 13.5 કરોડના સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ આપવાના મામલે વધુ એક વખત યુનિવર્સિટી તેની કામગીરીને લઈને શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નિયમમાં ફેરફાર કરીને બારોબાર બે એજન્સીઓ પૈકી માનીતી ગ્રો મોર એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ મામલે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ, તકેદારી આયોગ સહિત તમામ જગ્યાઓ પર લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જે અંગે વિજીલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
શુક્રવારે ટીમ દ્વારા ગાંધીનગરથી મુલાકાતે આવી હતી અને પૂછપરછ શરૂ કરી હતી. જોકે, આ સંદર્ભે ટીમ દ્વારા કંઈ સ્પષ્ટ કહેવાનો ઈન્કાર કરાયો હતો. બીજી તરફ ગાડીઓની અવર-જવર વચ્ચે મોટાભાગના કર્મીઓમાં શાની તપાસને લઈને અવર-જવર થઈ તે બાબતને લઈને ગણગણાટ જોવા મળ્યો હતો. આ મામલે વાઈસ ચાન્સેલર કે. બી. કથીરીયાનો સંપર્ક કરાયો હતો.
પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો. કોન્ટ્રાક્ટની ટેન્ડરીંગ પ્રક્રિયા જેઈએમ પર કરવામાં આવી હતી. જેમાં છ એજન્સીઓએ ભાગ લીધો હતો. પરંતુ 5 કરોડના ટર્ન ઓવરના નિયમને લઈને માત્ર બે જ એજન્સી પસંદગી પામી હતી. પરંતુ તેમાં પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મળતિયાઓને જ બારોબાર કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.