ગટરની કામગીરી બાદ પુરાણ ભૂલાયું? નડિયાદના માર્ગે ધૂળધૂાળનો ત્રાસ
નડિયાદમાં સંતરામ દેરી તરફ જવાનો માર્ગ અત્યંત બિસ્માર, ધુળિયો બની જતાં હાલમાં આ વિસ્તારમાં આવેલી 25 થી વધુ સોસાયટીમાં રહેતા 7 હજારથી વધુ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં ગટર લાઇનની કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરાતાં અને સોસાયટી વિસ્તારના માર્ગ ઉપરથી સતત ભારે વાહનોની અવરજવરને કારણે દેરી તરફ જતો આ માર્ગ અડધોઅડધ ગાયબ જ થઇ ગયો છે અને ત્યાં માત્ર દળ જ પથરાયેલી જોવા મળે છે.
આગળના રસ્તે પણ ખાડાં પડ્યા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. સતત ઉડતી ધુળને કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર પહોંચી રહી છે. સંતરામ દેરી તરફ જવાનો આ શોર્ટકટ રોડ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગુરૂવારે, પૂનમે અને વાર તહેવારે આજ રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે ધુળિયો માર્ગ, લેવલ વગરની ગટરો ઉપરાંત બ્લોક્સ નાખવાની કામગીરીમાં પણ તંત્ર દ્વારા પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકા પણ રહીશો દ્વારા કરાઈ રહી છે.
કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી
કોન્ટ્રાક્ટર દ્વારા ગટરની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેને યોગ્ય પુરાણ કરવા બાબતે અમે કહ્યું હતું અને તેમણે પણ રોલર ફેરવીને યોગ્ય રીતે પુરાણ કરી આપવાની બાંહેધરી આપ્યા બાદ આજે 3 મહિના થવા છતાં કોઇજ કામગીરી કરી નથી. > પ્રિયવદનભાઇ પટેલ, સ્થાનિક
31 મે પહેલાં જો રોડની કામગીરી કરવામાં નહીં આવે તો અમે રહીશો ટેક્ષ ન ચુકવીએ અને આગામી સમયમાં જે ચૂંટણી આવશે તેનો પણ બહિષ્કાર કરીશું > ધર્મિષ્ઠાબેન પટેલ, રહીશ