મેઘવા-ભાલેજ રોડ પર અકસ્માત, વણસોલના વૃદ્ધનું મોત
ઉમરેઠ તાલુકાના મેઘવા-ભાલેજ રોડ પર ગુરૂવારે રાત્રે પગપાળા જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
વણસોલ સ્થિત હેમરાજપુરા ખાતે અર્જુનભાઈ ફતાભાઈ પરમાર રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના કાકા બબુભાઈ ફતાભાઈ પરમાર ધુની મગજના હતા. અને ગમે ત્યારે તેઓ પગપાળા ચાલવા નીકળી જતા હતા. ગુરૂવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ ઘરે જમી પરવારીને સુવાની તૈયારી કરતા હતા ત્યારે તેમના ઓળખીતા તખતસિંહ પરમારનો ફોન આવ્યો હતો અને તેમના કાકાને અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેને પગલે ઓળખીતાએ કહેલી મેઘવાથી ભાલેજ આવતા નવા બની રહેલા પેટ્રોલપંપ નજીકની જગ્યાએ તેઓ પહોંચ્યા હતા. જ્યાં લોહીલુહાણ હાલતમાં તેના કાકા પડ્યા હતા. અકસ્માત કરનારો શખસ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતની જાણ 108ને કરતા ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને તેમણે તપાસીને તેના કાકાને મૃત જાહેર કર્યા હતા.