મેઘવા સીમમાં હીટ એન્ડ રન : અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતાં મોત
ઉમરેઠ તાલુકાના મેઘવા ગામના મહિસાગર મંદિરેથી ખાબડીયા સીમમાં જતા કેનાલવાળા રોડ ઉપર ગઈકાલે રાત્રીના સુમારે સર્જાયેલી એક હીટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર હેમરાજપુરા ગામની દુધની ડેરી સામે રહેતા ફરિયાદી વિરેશભાઈ બલુભાઈ ચૌહાણના ભત્રીજાના પુત્ર દિલીપભાઈ નરેન્દ્રસિંહ ચૌહાણ (ઉ. વ. ૩૦) છુટક મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રીના સુમારે તે મજુરી કામ કરીને પરત ઘર તરફ આવતો હતો.
દરમ્યાન મેઘવા ગામની સીમમાં આવેલા મહિસાગર મંદિરથી ખાબડીયા સીમ જતા કેનાલવાળા રસ્તેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથામાં ભાગે તેમજ પેટના ભાગે ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી અજાણ્યા વાહનના ચાલકની શોધખોળ હાથ ઘરી હતી.