નડિયાદ-સાળંગપુર રૂટ પર કંડક્ટર-ડ્રાઈવરની અનોખી પહેલ: મુસાફરો માટે નિઃશુલ્ક લીમડાનો રસ
નડિયાદ-સાળંગપુર એસટી બસના કંડક્ટર સંદીપ બારોટ અને ડ્રાઈવરે મુસાફરોના આરોગ્ય માટે ચૈત્ર માસ દરમિયાન અનોખી સેવા શરૂ કરી છે. તેઓ બસમાં મુસાફરી કરતા લોકોને પોતાનો જાતખર્ચ કરીને નિઃશુલ્ક લીમડાનો રસ પીવડાવી રહ્યા છે.
ચૈત્રી સુદ એકમથી અગિયારસ સુધી ચાલનારી આ પહેલ ગુજરાત એસટીમાં પ્રથમવાર જોવા મળી રહી છે. ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન આરોગ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે, અને સંદીપ બારોટ મુસાફરોને તેનો લાભ અપાવવા ઈચ્છે છે. તેઓ માત્ર રસ પીવડાવતું નથી, પણ મુસાફરોને સ્વાસ્થ્ય માટેની અગત્યની જાણકારી અને લીમડાના ઔષધીય ગુણો વિશે માહિતી પણ આપી રહ્યા છે.
સંદીપ બારોટ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સક્રિય રહ્યા છે. દાદાના ધામની યાત્રા કરતા ભક્તો માટે તેઓ ગત વર્ષોમાં પણ વિવિધ સેવાઓ આપી ચૂક્યા છે. તેમના આ ઉમદા કાર્યને મુસાફરો અને સ્થાનિક લોકો દ્વારા ખૂબ સરાહવામાં આવી રહ્યું છે.
