સેફ્ટી માટે દંડ વસૂલતી મનપાની પોતાની કચેરી ફાયર સેફ્ટી વગર!
આણંદ : આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડિંગ્સ, હોસ્પિટલો તથા દુકાનોમાં ફાયર સેફ્ટીના બહાને સીલ મારી દંડ વસૂલ કરતી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીની સુવિધા હજૂ અધૂરી છે. મનપા કચેરીમાં માત્ર લોખંડની પાઈપો લગાવાઈ છે. ત્યારે હાલ ૪૫ લાખના ખર્ચે આણંદની આસ્થા કન્સ્ટ્રક્શનને સોંપાયેલા ૪૦ હજાર લિટર પાણીના સંગ્રહની ક્ષમતાવાળા ટાંકાનંસ કામ હજૂ શરૂ કરાયું છે.
આણંદ મહાનગરપાલિકા ભવનમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરથી આગ બુજાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકા ભવનમાં મૂકવામાં આવેલી ફાયર માટેની લોખંડની પાણીની પાઈપોનું જોડાણ હજૂ કોઈ પણ જગ્યાએ આપવામાં આવ્યું નથી. ૧૪ જેટલા ફાયર બોક્સમાં પાણીની ફોર્સ પાઈપો પણ મૂકવામાં આવી નથી. ફાયર બોક્સ હાલ ખાલી છે. આગ ઓલવવા માટે જરૂરી પાણીની ટાંકી મનપામાં ન હોવાથી બંબાની મદદ લેવી પડે તેમ છે. મનપા દ્વારા પાણીના સ્ટોરેજ માટે મોટી ટાંકી બનાવવાનું કામ મંદગતિએ ચાલી રહ્યું છે.
આણંદમાં નગરજનોએ જણાવ્યું હતું કે, શહેરમાં ફાયરસેફ્ટીના અભાવે બિલ્ડિંગો સીલ કરીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકો પાસે ફાયર સેફ્ટીનો આગ્રહ રાખતી મનપાએ પણ પોતાની મિલકતોમાં ફાયરની સુવિધા ઉભી કરવી જરૂરી છે. મનપાની આણંદમાં ૨૭ મિલકતો આવેલી છે. જેમાંથી બે બહુમાળી મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે. પરંતુ તે સિવાયની ૨૫ જેટલી મિલકતોમાં અંદાજિત ૫૦૦થી વધુ દુકાનો છે જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાઈ નથી. જેથી ભવિષ્યમાં આગની હોનારત સર્જાય તો ભારે નુકસાનની સંભાવના રહેલી છે.
મહાનગરપાલિકાના ભાડા વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ, મહાનગરપાલિકાની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ માટે અંદાજિત પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે. તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, ૫ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની સુવિધાઓ પૂરી પાડવા માટે ૩.૩૩ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. જેમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ તેમજ હાયડ્રેન સિસ્ટમ કરવાની અને પાણીની ટાંકીની પાઇપો નાખવાના કામ સામેલ કરવામાં આવેલા છે. ફાયર ઓફિસર દ્વારા જાણવા પણ મળ્યું હતું કે હાલ પાંચ કોમ્યુનિટી હોલ તેમજ મહાપાલિકા ભવનમાં આગ લાગે તો માત્ર ફાયર બ્રિગેડના બમ્બા ઉપર આધાર રાખવો પડે તેમ છે.
આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, હાલ મહાનગરપાલિકાની ઓફિસમાં અંદાજિત ૪૦,૦૦૦થી વધુ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આસ્થા કન્સ્ટ્રક્શન આણંદને અંદાજિત ૪૫ લાખ રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. કામ પૂરું થયા બાદ તમામ પાઇપલાઇનનું પાણીના ટોકામાં જોડાણ કરી દેવામાં આવશે.