માતા ગુમાવનાર નવજાત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી, સાંસદની સહાયથી સારવાર મળતા અંતે નવજીવન
આણંદ ખાતે વસતા સરગરા સમાજની એક નવજાત બાળકીની કરુણ કહાની આજે સમગ્ર જિલ્લાના નાગરિકોને હૃદયસ્પર્શી ગઈ છે. હજુ સુધી જેનું નામકરણ થયું નથી એવી આ નવજાત બાળકીને જન્મ આપતી વેળાએ માતા મમતાબેન મારવાડીનું મૃત્યુ થયું હતું. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા આ પરિવારને પિતા તરફથી કોઈ મદદ મળી રહી નથી, જેથી બાળકીની સ્થિતિ દયનીય બની હતી.જન્મ સમયે માત્ર 900 ગ્રામ વજન ધરાવતી આ પ્રી-મેચ્યોર બાળકીને મૃત માનવામાં આવી હતી.
પરંતુ બાળકીના મામા દિનેશભાઈને બાળકીમાં જીવનના ચિહ્નો દેખાતાં તેઓ તરત જ આણંદ સ્થિત એપલ ન્યુ બોર્ન કેર સેન્ટર ખાતે લઈ ગયા હતા. તબીબી તપાસ બાદ આ બાળકી જીવિત હોવાનું જાણવા મળ્યું અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. 22 દિવસની સધન સારવાર બાદ બાળકીનું વજન વધીને 1.2 કિલોગ્રામ થયું છે અને હાલ તે સારવાર હેઠળ છે.
આ સમગ્ર બાબતની જાણ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલને થતાં તેમણે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. મિતેષભાઈએ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ પોતાના અનુદાનમાંથી આર્થિક સહાય જમા કરાવી હતી. તેમણે જિલ્લાના તમામ નાગરિકોને આ બાળકીને બચાવવા માટે પોતાનાથી બનતી મદદ કરવા અપીલ કરી છે. આ બાળકીને બનતી તમામ મદદ કરવાની પણ ખાત્રી મિતેષભાઈએ પરિવારને આપી છે.
મિતેષભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છીએ. જેમાં દરેક નાગરિકને આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને સામાજિક સુરક્ષા મળે તે અમારી પ્રાથમિકતા છે. આ પ્રસંગે તબીબોએ જણાવ્યું કે મિતેષભાઈ પટેલની મદદથી બાળકીની સારવાર સુચારુ રીતે ચાલી રહી છે અને આશા છે કે તે જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ પરિવારની બાળકીના જન્મ બાદ તુરંત જ માતાનું મૃત્યુ થયુ હતુ. જે અંગે તેના પિતાને જાણ કરવા છતાં તેઓએ કોઈ ઉત્તર આપ્યો ન હતો. આખરે મામા દોડી આવીને બાળકીને જોતાં હલનચલન જેવું લાગ્યુ હતુ. જેથી તાત્કાલિક સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડીને બાળકીને નવજીવન આપ્યુ હતુ.