જૂનના પ્રથમ-બીજા સપ્તાહથી આણંદની ૧૫૯ ગ્રામપંચાયતો માટે ચૂંટણીની દોડ શરૂ
છેલ્લા કેટલાક સમયથી જેની કાગડોેળે રાહ જોવાઈ રહી હતી તે ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ તેજ થઈ જવા પામ્યો છે.જેના ભાગરૂપે આ જે પ્રાથમિક મતદાર યાદીની પ્રસિધ્ધિ કરી દેવાઈ છે એ સાથે જ જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાનાર છે તે ગામોમાં આજથી જ રાજકીય વાતાવરણ જામવા માંડ્યું છે. રાત્રીના સુમારે ગામના પાદરે બેઠકોનો દોર પણ શરૂ થઈ જવા પામ્યો છે. આણંદ જિલ્લામાં કુલ ૧૫૯ ગ્રામ પંચાયતો અને ૧૦૦ જેટલી બેઠકોની પેટાચૂંટણીઓ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ જીલ્લાની કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા જાણવા મળ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૭ ટકા અનામત આપવાનું બીલ પાસ થયા બાદ આ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જાઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રાથમિક મતદાર યાદીની પ્રસિધ્ધિ પણ કરી દેવામાં આવી છે. જે અનુસાર આણંદ જિલ્લામાં જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાનાર છે તેની મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવાઈ છે. જિલ્લાની કુલ ૧૫૯ ગ્રામપંચાયતોમાં છેલ્લા બે થી અઢી વર્ષથી વહિવટદાર સાશન છે જેને લઈને ગામનો જોઈએ તેવો વિકાસ થતો નથી તેમજ ગ્રામજનોના રોજબરોજના કામો પણ અટવાઈ પડ્યા છે. મોટાભાગની ગ્રામપંચાયતોમાં તલાટીઓની અછત હોવાને કારણે બે થી વધુ જગ્યાએ તલાટીઓ ચાર્જમાં હોય, કામગીરી વિલંબમાં પડતી હતી. જેને લઈને ગ્રામજનોની હાલત કફોડી થઈ જવા પામી હતી.
પરંતુ ૨૭ ટકા ઓબીસી અનામતનો મુદ્દો ક્લીયર થયા બાદ તુરંત જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જીલ્લા કલેક્ટરોને ૨૭ ટકા ઓબીસી અનામતના આધારે સરપંચ અને બેઠકોનું રોટેશન નક્કી કરવાનું જણાવી દેવામાં આવ્યું હતુ. જે કામગીરી હાલમાં ચાલી રહી છે. એ પહેલા જ આજે પ્રાથમિક મતદાર યાદી બહાર આવી જવા પામી છે. આગામી ૧૬મી તારીખ સુધી મતદાર યાદી અંગેના વાંધા તેમજ સુચનો મંગાવીને તેનો નિકાલ કર્યા બાદ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. એ સાથે જ ગ્રામપંચાયતોની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પણ બહાર પાડી દેવામાં આવનાર છે. જે અનુસાર આગામી જુનના પ્રથમ કે બીજા સપ્તાહમાં આ ચૂંટણીઓ યોજાશે તેમ મનાઈ રહ્યું છે.
પક્ષીય નહીં પરંતુ વ્યક્તિગત ધોરણે લડાતી ચૂંટણી
ગ્રામપંચાયતોની ચૂંટણીઓ પક્ષીય નહીં પરંતુ વ્યક્તિગત ધોરણે લડાય છે. જો કે રાજકીય પક્ષો દ્વારા પોતાની વિચારસરણી ધરાવતા સરપંચો કે સભ્યો ચૂંટાય તે માટે ઉમેદવારોની પસંદગીથી લઈને પ્રચાર અભિયાનમાં પણ એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હારજીત નજીવા માર્જીનથી થતી હોય એક-એક મત મળશે કે કેમ તેની ગણતરી કરાઈ રહી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામપંચાયતો સમરસ બને તે દિશામાં પણ ભરપુર પ્રયાસો કરવામા આવશે તેમ જાણવા મળ્યું છે.
બેલેટ પેપરથી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાશે
ઈવીએમ મશીનને લઈને સમગ્ર દેશભરમાં અનેક શંકા-કુશંકાઓ ચાલી રહી છે ત્યારે ગ્રામપંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ગત ટર્મમાં પણ આ ચૂંટણીઓ બેલેટ પેપરથી જ કરાઈ હતી.આ પરંપરા આ વખતે પણ ચાલુ જ રહેશે તેમ જાણવા મળ્યું છે. બેલેટ પેપરથી ચૂંટણી થનાર હોય જે જે ગ્રામપંચાયતોમાં ચૂંટણીઓ થનાર છે ત્યાં આજથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરપંચ સહિત વોર્ડ બેઠકોના સંભવિત ઉમેદવારો દ્વારા પ્રાથમિક મતદાર યાદીઓ લઈને તેનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.