ગામ પંચાયત ચૂંટણી માટે તૈયારી તેજ, જૂનમાં પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાબતે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અટકેલી પડી છે ગત 30 એપ્રિલ 2025 ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્ધારા થયેલ પરિપત્રિત માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ અનુસાર જુન માસના પ્રથમ પખવાડીયા સુધીમાં સંભવતઃ ચૂંટણી પ્રકિયા પૂર્ણ કરાશે. જેના પગલે મતદારીયાદી મુસદ્દા સહિતની યાદી અને પુરવણી યાદી તૈયાર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
આ સાથે ચૂંટણી પ્રક્રિયા સંબંધિ જરૂરી ડેટાબેઝ અંગેની કામગીરી પૂર્ણતા તરફ જોવા મળી રહી છે. સોજિત્રા તાલુકામાં 16 ગ્રામ પંચાયતો મુદત પુરી થતી હોય તેમજ કાસોર અને બાલિન્ટામાં વોર્ડના સભ્યના અવસાન પગલે અને રૂણજ અનુસુચિત જનજાતિ સભ્યનું પ્રતિનિધિત્ત્વ ન હોવાથી 3 ગ્રામ પંચાયતોમાં વોર્ડની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્ધારા આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી, 15 ટકા એસ.ટી અને 7 ટકા એસ.સી અનામત બેઠકો રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી અનામતના અમલ સાથે પહેલીવાર ચૂંટણી જાહેર થઈ છે. અલબત્ત ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે.
જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી બહાર આવી નથી પરંતુ વહીવટી તંત્ર દ્ધારા સદર ચૂંટણી અંગેની કામગીરી વિષયક પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે તા.1-1-2025 ની સ્થિતિએ પ્રસિદ્ધ થયેલ પુરવણી સહિતની વોર્ડ વાઈઝ મતદાર યાદીઓ, વોર્ડ વાઈઝ ફોટોવાળી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ, ઉપરાંત નિયમાનુસાર વાંધા કે દાવા અરજીઓની ચકાસણી અને આખરી નિર્ણય 16 તારીખ સુધી પૂર્ણ કરવા ચૂંટણી આયોગ દ્ધારા નિર્દેશ કરાયો છે.