સોજીત્રા તાલુકા પંચાયતમાં ‘રામ રાજ્ય અને પ્રજા સુખી’ જેવો ઘાટ ઘડાયો છે: કર્મચારીઓની લાપરવાહી
સોજીત્રા તાલુકા પંચાયતમાં ‘રામ રાજ્ય અને પ્રજા સુખી’ જેવો ઘાટ ઘડાયો છે. સોજીત્રાના તાલુકા વિકાસ અધિકારી પાસે સોજીત્રા અને આંકલાવ એમ બે તાલુકાનો ચાર્જ હોઈ સોજીત્રા તાલુકા પંચાયતના કર્મચારીઓ તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર કુલડીમાં ગોળ ભાંગતા હોવાની બાબત ઉજાગર થવા પામી છે. ટીડીઓને ઉદ્દેશીને લખાયેલ ટપાલ વિકાસ શાખામાં વીસ દિવસથી વધુ સમયથી મુકી રાખવામાં આવી છે. પણ ટીડીઓનું વિકાસ શાખાના કર્મચારીએ ધ્યાન જ ના દોરતા તપાસનો વિષય બન્યો છે.
તાલુકા વિકાસ અધિકારીને સોજીત્રા અને આંકલાવ એમ બે તાલુકાનો ચાર્જ હોઈ તાલુકા પંચાયતના કર્મચારીઓ મનસ્વી નિર્ણયો લઈ મનમાની કરી રહ્યા છે. ટીડીઓની લગતી ટપાલ પણ કર્મચારીઓ ટીડીઓને બતાવતા નથી અને મહિનાઓ સુધી જે તે ટેબલ ઉપર પડી રહે છે. વિકાસ શાખાના કર્મચારીઓ વિકાસના કામમાં ઓછું અને કોન્ટ્રાકરો સાથે ધરોબો કેળવવામાં વધારે રસ દાખવતા હોવાનું બહાર આવ્યું છે.
તાલુકા પંચાયતની ટપાલ શાખામાં જમા કરાવેલ ટપાલ વીસ દિવસ બાદ પણ ટીડીઓને મળી નહિ હોવાનું ખુદ ટીડીઓ સ્વીકારી રહ્યા છે. આસીસ્ટન્ટ ટીડીઓએ ટપાલ ટીડીઓને બતાવ્યા વગર જ વિકાસ શાખામાં મોકલી આપી હતી. જેને વીસ દિવસથી વધુનો સમય થવા આવ્યો હોવા છતાં વિકાસ શાખાના હરીશ પ્રજાપતિએ ટપાલનો નિકાલ કર્યા વગર પડી રહેવા દીધી છે. ટપાલ ટીડીઓને નહિ બતાવવા પાછળ વિકાસ શાખાના કર્મચારીઓ અનેે એ ટીડીઓનો શુ ઉદ્દેશ્ય હશે તેને લઈને અનેકવિદ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
સોજીત્રાના તાલુકા વિકાસ અધિકારીએ પોતાને ટપાલ મળી નહિ હોવાનું કબુલતા જણાવ્યું હતું કે મારી પાસે બે તાલુકાનો ચાર્જ છે. તેમ છતાં મને ટપાલ મળે તો એકાદ સપ્તાહમાં ટપાલનો નિકાલ થઈ જ જાય છે. પરંતુ તમો કહો છો તેવી કોઈ ટપાલ મને મળી નથી.
સોજીત્રા તાલુકા પંચાયતમાં આસીસ્ટન્ડ ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ એક સપ્તાહ પૂર્વ ટપાલ બારોબાર વિકાસ શાખામાં મોકલી આપ્યાનું જણાવ્યું હતું. પરંતુ આ ટપાલ અંગે ટીડીઓનું ધ્યાન દોર્યુ છે કે નહિ તે બાબતે આજે ફોન રિસીવ કરવાનું જ ટાળ્યું હતું.
સોજીત્રા તાલુકા પંચાયતની વિકાસ શાખામાં ફરજ બજાવતા હરીશ પ્રજાપતિએ પોતાની પાસે ટપાલ હોવાનું સ્વીકાર્યુ હતું. પરંતુ આ ટપાલ ટીડીઓને કેમ બતાવી નથી અને કેમ વીસ દિવસથી ટપાલનો કોઈ જવાબ આપ્યો નથી. તે અંગે તેઓએ રૂબરૂ મળવાનું રટણ ચાલુ રાખી ફોન કાપી નાખ્યો હતો.