કાસોર-મહેળાવ રોડ નવિનીકરણમાં વિચિત્ર પગલું: આર.સી.સી. ઉપર ડામર રોડ!
કાસોર-મહેળાવ રોડના નવિનીકરણના કામમાં આર.સી.સી. રોડ ઉપર ડામર રોડ બનાવી દેવાતા ચોમાસાની ઋતુમાં રોડ ઉપર પાણી ભરાશે ત્યારે ડામર રોડનું નામોનિશાન નહિ રહેની ચર્ચા સાથે ગ્રામજનોની બૂઠવા પામી છે.
સોજીત્રા તાલુકાના કાસોર ગામથી પેટલાદ તાલુકાના મહેળાવ ગામને જોડતા સિંગલપટ્ટના રોડને બનાવ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. કાસોર ગામના બસ સ્ટેન્ડથી મહેળાવ ગામ તરફ જતા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાથી તેમજ વાહનોની સતત અવર-જવરથી રોડ બિસ્માર બની જતો હોઈ અગાઉ ૭૦૦ મીટરનો રોડ આર.સી.સી. નો બનાવ્યો હતો. આ આર.સી.સી. તેમજ ડામર રોડ જર્જરીત બની ગયો હોઈ રોડનું નવિનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં પૂર્વ બનાવેલ ૭૦૦ મીટરના આર.સી.સી. ના રોડની જગ્યાએ માત્ર ૩૦૦ મીટરનો રોડ આર.સી.સી. નો બનાવ્યો છે. બાકીના આર.સી.સી.ના જર્જરીત રોડ ઉપર ડામર પાથરી દેવાયો છે. જેથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં આ રોડ સાવ બિસ્માર બની જશે. આ રોડ ઉપરથી નડિયાદ મહેળાવ, મલાતજ, ખેડા તરફના વાહનો તેમજ કાસોર ગામના ઉમરાળા પાંવલીપુરા, ધોરીકૂવા જેવા વિસ્તારના લોકોની સતત આવન-જાવન રહે છે. ગત ચોમાસાની ઋતુમાં ગાયત્રી મંદિરથી બહુચરાજી મંદિર વચ્ચેના રોડ ઉપર લગભગ બે ફૂટ પાણી ભરાયું હતું. આ પાણી ભરાવાની જગ્યાએ આર.સી.સી. રોડ બનાવવો જરૂરી બન્યો છે. તેની જગ્યાએ અગાઉના ૭૦૦ મીટરના આર.સી.સી. રોડમાં કપાત કરી માત્ર ૩૦૦ મીટરનો આર.સી.સી. રોડ બનાવી આગળના રોડ ઉપર ડામર પાથરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે એન્જીનીયરે જણાવ્યું હતું કે કાસોર-મહેળાવ રોડ ઉપર માત્ર ૩૦૦ મીટરનો જ આર.સી.સી. રોડ મંજૂર થયો છે. તે સિવાયનો રોડ ડામરનો મંજૂર થયો હોઈ તે મુજબ કામ થઈ રહ્યું છે.