ગૌવંશ કત્લ કરી માંસ વેચાણનો કાળાબજાર: બે શખ્સો રીમાન્ડ પર સોંપાયા
ત્રણેક દિવસ પહેલા જ આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલી તાસ્કંદ સોસાયટી નજીકના એક મકાનની ઓરડીમાં ત્રણ જેટલા ગૌવંશની કત્લ કરીને તેના માંસનું વેચાણ કરવાના એક મસમોટો રેકેટનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો હતો. જો કે તમામ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે ગત ૧૨મી તારીખના રોજ છાપો મારતાં ઓરડીમાંથી ત્રણ જેટલા ગૌવંશ ગળાએથી કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ આગલી ઓરડીમાંથી ગૌમાંશના ટુકડા અને ગૌવંશની હત્યા કરવાના સાધનો પણ મળી આવ્યા હતા. મુખ્ય સુત્રધારો આસીફ ઉર્ફે રાજુ અલ્લારખા કુરેશી અને રબ્બાની કાદરભાઈ કુરેશી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ૭૦૫ કિલોગ્રામ ગૌવંશ, મોબાઈલ સહિત કુલ ૧,૪૮,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન ફરાર થઈ ગયેલા બન્ને શખ્સો સલાટીયા વિસ્તારમાં આવવાના હોવાની માહિતી શહેર પોલીસને મળી હતી, જેથી પોલીસે વોચ ગોઠવીને બન્નેને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
રીમાન્ડ મંજુર થતા જ પોલીસે પુછપરછ કરતા તેમની સાથે અન્ય બીજા ચાર શખ્સો પણ ગૌવંશની કત્લ કરવા સામેલ હતા. છેલ્લા બે મહિનાથી તેઓ દ્વારા ઉક્ત ઓરડીમાં ગૌવંશને આસપાસના ગામડાઓમાંથી લાવીને વહેલી સવારના સુમારે કટીંગ કરીને આસપાસ આવેલી દુકાનોમાં ગાયના માંસનું વેચાણ કરતા હતા. સપ્તાહમાં તેઓ દ્વારા એકત્ર કરાયેલા ગૌવંશને ઓરડીમાં રાખીને એકાદ-બે દિવસ કટીંગ કરતા હતા. આ વિગતો ખુલતા જ પોલીસે ફરાર થઈ ગયેલા અન્ય શખ્સોને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.