તારાપુર-સોજીત્રા રોડ પર ફાર્મ હાઉસમાં છુપાવેલી વિદેશી દારૂની ૧૪ પેટી ઝડપી
તારાપુર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે તારાપુર-સોજીત્રા રોડ ઉપર આવેલી પંડ્યા તલાવડી વિસ્તારમાં આવેલા કુલદિપસિંહ શિણોલના ફાર્મહાઉસમાં છાપો મારીને મકાનના રસોડાની અંદર બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની ૧૪ પેટી ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે, કુલદિપસિંહ નવલસિંહ શિણોલે પોતાના ફાર્મહાઉસમાં આવેલા મકાનના રસોડામાં ગુપ્ત ખાનું બનાવ્યું છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને તેનું વેચાણ કરે છે. જેથી પોલીસે છાપો મારતાં કુલદિપસિંહ મળી આવ્યો નહોતો. પરંતુ વોચમેન ઠાકોરભાઈ મફતભાઈ પરમાર મળી આવ્યો હતો. તેની પાસે ચાવી હોય પોલીસે મોટા લોખંડના દરવાજાનું તાળુ ખોલી આપ્યું હતુ.
પોલીસે વોચમેન તેમજ તેના પુત્રની હાજરીમાં મકાનમાં તપાસ કરતા રસોડાની પુર્વ બાજુની દિવાલે વચ્ચેના ભાગે એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતુ.ગુપ્ત ખાનામાં દરવાજા ઉપર રસોડામાં લગાવેલ ટાઈલ્સને મેચ થાય તેવી ટાઈલ્સ લગાવી હતી. બીજી સાઈડે પ્લાસ્ટર હોય, દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા ટાઈલ્સ તુટી જવા પામી હતી. દરવાજો ખોલી અંદર જોતા ચાર ફુટ પહોળુ અને બાર ફુટ લાંબુ ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ. તેમાં બેટરી મારીને જોતા ૧૦૦ પાઈપર્સ, જોની વોકર, સ્કાઈ વોડકા, સીમીરોનુફ ટ્રીપલ વોડકા, એબ્સ્યુલુટ વોડકા બ્રાન્ડની વિદેસી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. પોલીસે તમામ પેટીઓ બહાર કાઢીને ગણતરી કરતા કુલ ૧૪ પેટી થવા પામી હતી. જેની કિંમત ૩,૦૭,૫૮૪ જેટલી થવા જાય છે. પોલીસે ઉક્ત મુદ્દામાલ જપ્ત કરીને હાજર નહીં મળી આવેલા કુલદિપસિંહ શિણોલ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.