અનંત અંબાણીની 115 કિ.મી. યાત્રા પૂર્ણ, 30મા જન્મદિવસે દ્વારકાધિશના ચરણોમાં ભક્તિ ભાવથી નમાવ્યું શીશ
અનંત અંબાણીએ જામનગરથી શરૂ કરેલી દ્વારકાની પગપાળા યાત્રાનું આજે સમાપન થયુ છે. 10 દિવસની તેમની આ પગપાળા યાત્રામાં તેઓ 115 કિલોમીટર ચાલ્યા છે. આજે અનંતે તેમના 30મા જન્મદિવસે દ્વારકાધિશના શરણોનાં શીશ નમાવ્યુ હતુ અને જગતના નાથના આશીર્વાદ મેળવ્યા હતા.
ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને MD મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચિરંજીવ અનંત અંબાણીએ આજે તેમના 30મા જન્મદિવસે દ્વારકાની 115 કિલોમીટરની પગપાળા યાત્રા સંપન્ન કરી છે. તેમની આ પગપાળા યાત્રા આજે સંપન્ન થતા તેઓએ અત્યંત હર્ષની લાગણી અનુભવી હતી. 10 દિવસની પગપાળા યાત્રાને અંતે આજે તેઓ દ્વારકા પહોંચ્યા હતા અને દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેમને અત્યંત ખુશી છે કે તેમના જન્મદિવસે તેમણે આ પગપાળા યાત્રા સંપન્ન કરી છે અને દ્વારકાધિશના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. આ સાથે તેમણે દરેકને રામનવમીની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન બાદ ગોમતિપૂજન કર્યુ હતુ. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. દ્વારકામાં આજે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઈ હતી. આ ઉપરાંત રામનવમીના પાવન તહેવાર પર દ્વારકાધિશના દર્શને આવેલા ભાવિકોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.
અનંત અંબાણીએ 28 માર્ચે જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રાની શરૂઆત કરી હતી. જે આજે રામનવમીના દિવસે સંપન્ન થઈ હતી. તેમની આ પદયાત્રા સંતો અને કથાકારો પણ જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની સાથે 400 જેટલા ઋષિકુમારો અને 250 થી વધુ ભૂદેવો અને જોડાયા હતા. જેઓ સમગ્ર રૂટ પર મંત્રોચ્ચાર તથા મંગલગાન કરતા હતા.
આ તકે નીતા અંબાણીએ જણાવ્યુ કે આજે અત્યંત ગૌરવની લાગણી અનુભવુ છુ. અનંતે જામનગરથી દ્વારકાની આ પદયાત્રા પૂર્ણ કરતા એક મા નું દિલ અત્યંત આનંદથી ભરાઈ ગયુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે અનંતને સાથ આપનાર તમામ યુવકો આપણી સંસ્કૃતિ અને વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેના માટે અત્યંત ગર્વ અનુભવુ છુ. અનંત સહિતના તમામ યુવકો આટલી નાની ઉમરે ઈશ્વરમાં અતૂટ આસ્થા સાથે 10 દિવસ ચાલ્યા છે, જે દ્વારકાધિશના આશીર્વાદ જ છે. વધુમાં તેમણે કહ્યુ કે અનંતની સાથે ચાલનારા એ તમામ યુવકોને મુકેશ અને હું ખુબ ખુબ આશીર્વાદ આપીએ છીએ.
આ તકે અનંત અંબાણીએ તેમની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે તેમને ખુશી છે કે તેમના જન્મદિવસે અને ખાસ કરીને રામનવમીના દિવસે આ પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ છે અને દ્વારકાધિશના દર્શન કરવાનો અવસર મળ્યો છે.
અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટે જણાવ્યુ કે અનંતની લાંબા સમયથી ઈચ્છા હતી કે લગ્ન પછી તેઓ પગપાળા દ્વારકાધિશના દર્શને આવશે. તેમના દૃઢ નિશ્ચયથી તેમણે આ પરિપૂર્ણ કર્યુ છે અને મને તેના પર ઘણો ગર્વ છે.
અનંત અંબાણીએ ગયા મહિને 28મી માર્ચે જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપથી પદયાત્રાની શરૂઆત કરી હતી. આમ કુલ 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા ધામ પહોંચ્યા હતા. દરરોજ વિવિધ સંતો અને કથાકાર પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીની પદયાત્રામાં 400 ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો દરરોજ મંત્રોચ્ચાર તથા મંગલગાન કરતાં હતા. પદયાત્રામાં માલધારી સમાજના લોકોએ પારંપરિક રીતે અનંત અંબાણીનું સ્વાગત પણ કર્યું હતું.